Sun Sep 13 2026

Logo

કચ્છને જોડતા હાઈ-વેની થશે કાયાપલટઃ માળીયા-સુરજબારી 8 અને શિકારપુર-મેવાસા 6 લેન માટે ₹ 2100 કરોડ મંજૂર

2026-07-31 16:40:03
Author: Mumbai Samachar Team
કચ્છને જોડતા હાઈ-વેની થશે કાયાપલટઃ માળીયા-સુરજબારી 8 અને શિકારપુર-મેવાસા 6 લેન માટે ₹ 2100 કરોડ મંજૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ પોર્ટ, સોલાર વિન્ડ પાવર પ્લાન્ટ, ઉદ્યોગો અને શિયાળામાં ટુરિઝમને કારણે કચ્છ તરફના વાહનવ્યવહારમાં નોંધપાત્ર વધારો થયો છે. દૈનિક ધોરણે ચાલતા મોટા ટ્રક, ટ્રેલર, કન્ટેનર તથા મોટી મશીનરી માટે ચાલતા વાહનોના પરિણામે ટ્રાફિક જામના અનેક કિસ્સાઓ કચ્છને જોડતા સુરજબારી રોડ પર બનેલા છે. આ સિવાય ઘણીવાર અકસ્માતને કારણે પણ આ રોડ ગોઝારો સાબિત થયેલો છે. કચ્છને અન્ય જિલ્લા સાથે જોડતા હાઈવેની સુરત બદલવાની છે. સામખિયાળી-માળીયા તથા શિકારપુર-મેવાસા વચ્ચેના રોડને પહોળો કરવા માટે સાંસદ વિનોદ ચાવડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરી હતી. ધારાસભ્યો દ્વારા કરાયેલી માગને ધ્યાને લઈને સાંસદ વિનોદ ચાવડા કેન્દ્રમાં આ અંગેની રજૂઆતને માન્યતા મળતા સમગ્ર પ્રોજેક્ટ માટે 2100 કરોડની રકમ મંજૂર કરી દેવામાં આવી છે. 

નેશનલ હાઈવે અપગ્રેડ થશે
કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ સુરજબારીથી માળીયા સુધી NH-27 ને 8 લેન બનાવવા માટે ₹1300 કરોડ અને શિકારપુર-મેવાસાને 6 લેન કરવા માટે ₹8000 કરોડની રકમ મંજૂર કરી દીધી છે. આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે NH-27ના વિકાસ માટે, ખાસ તો સામખિયાળીને જોડતા રસ્તાની કાયાકલ્પ માટે મહત્ત્વનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. માળીયાથી સામખિયાળી સુધીના હાલના 41 કિમીના હાઈવેને 8 લેન કરવા અને સુરજબારીથી મેવાસા વચ્ચે 20 કિમીના રસ્તાને 6 લેન કરવા માટે મંજૂરી આપી છે. જેનો હેતું પૂર્વ પશ્ચિમ કોરિડોરનો ભાગ આ રૂટ બને એ છે, દેશના સૌથી વ્યૂહાત્મક હાઈવે કોરિડોરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે અને ક્નેક્ટિવિટીની ક્ષમતા વધી જશે. કંડના, મુદ્રા, અને નવલખી સહિતના મોટા તેમજ મહત્ત્વના પોર્ટને જોડતો આ રસ્તો ખરા અર્થમાં વિકાસનો ઈકોનોમિક કોરિડોર સાબિત થશે. 

ટ્રાફિકનો પ્રશ્ન હળવો થશે
મોરબી, જામનગર અને કચ્છના ઔદ્યોગિક કેન્દ્ર વચ્ચે એક મોટી તેમજ મજબૂત ક્નેક્ટિવિટી લિંક તરીકે આ રૂટ કામ કરશે. 6 લેન રસ્તો ટૂંકા રૂટ તરીકે સ્થાનિકોને પણ ઉપયોગી સાબિત થશે.જ્યારે 8 લેનનો પહોળો રસ્તો ભારે વાહનો માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ કારણે વાહનોને ટ્રાફિકજામમાંથી પણ મુક્તિ મળશે. માર્ગ સલામતીમાં પણ સુધારો થશે અને ટ્રાફિક ક્ષમતા પણ નોંધપાત્ર રીતે વધી જશે.  કચ્છ, ભુજ અને પોર્ટ જેવા વિસ્તારમાં પહોંચવા માટે જે સમય પહેલા લાગતો એ સમય આ રસ્તો બની ગયા પછી સારી રીતે બચી જશે. ખાસ કરીને રાત્રીના સમયે દોડતા ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને ભારે વાહનોને એક મોટો ફાયદો થશે.