Wed Aug 26 2026

Logo

વલો કચ્છ: સમયની માગ: કચ્છ, કલ્પવૃક્ષ જેવી ગાય ને પ્રાકૃતિક ખેતીનો નવો સૂર્યોદય

2026-05-24 08:31:00
Author: Giriraj
વલો કચ્છ: સમયની માગ: કચ્છ, કલ્પવૃક્ષ જેવી ગાય ને પ્રાકૃતિક ખેતીનો નવો સૂર્યોદય

 

 

 

- ગિરિરાજ

 

છેલ્લા કેટલાય સમયથી બદલાતા વિશ્વ અંગે નકરાત્મક પ્રભાવો અંગે ચિંતા થતી આવી છે, આપણે સાંભળીએ, ચિંતા કરીએ પણ અમલમાં મૂકીએ? બસ એ જ, અમલમાં નથી મૂકતા અને રજૂઆત સામે ધરીએ કે મારા એકના અમલ કરવાથી કશુંય બદલાશે નહીં? એટલે જૈસે થે વૈસે. પરંતુ અમુક વ્યક્તિઓ વ્યથિત થવાને બદલે પોતે બદલાઈ લોકોને બદલવા સતત પ્રયત્નશીલ રહે છે. એવું એક વ્યક્તિત્વ ગુજરાત મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું છે. પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો એમનો ઝોક, અને લોકોને એ દિશામાં આગળ વધવા સતત મહેનતશીલ રહે છે. હમણાં થોડા સમય પહેલાં કચ્છમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં દેવવ્રતજીએ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત તરફ સૌનું ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે, ખેતરોમાં અંધાધૂંધ વપરાતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના કારણે આજે સંશોધનોમાં માતાઓના દૂધમાં પણ યુરિયા અને ઝેરી તત્ત્વો મળી આવ્યાં છે. આ હકીકત એ વાતની ગંભીર ચેતવણી છે કે જો આપણે અત્યારે નહીં બદલાઈએ તો આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે.

 

આજે માનવજાત પ્રગતિનાં શિખરો સર કરી રહી છે, પરંતુ તેની સામે રોગો અને પ્રદૂષણનું એક મોટું સંકટ પણ ઊભું થયું છે. કચ્છ ફિનિક્ષ પક્ષીની જેમ અવારનવાર રાખમાંથી બેઠું થતું રહ્યું છે. વૈશ્વિક કટોકટીની વચ્ચે, સરહદી અને ખમીરવંત કચ્છ આ દિશામાં આગળ વધી શકે તેવી સક્ષમતા રાખે છે. એની સાબિતી ખુદ રાજ્યપાલે આપી છે, તેમણે કહ્યું હતું કે શહેર કરતાં પણ ભુજ તાલુકાનું કોડકી ગામ સુંદર છે, જે ગ્રામજનોની મહેનત દર્શાવે છે. તેમણે ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવતા ગ્રામજનોને ગામ, ગલી તથા જાહેર વિસ્તારોને પોતાના ઘરની જેમ જ સ્વચ્છ રાખવા તેમ જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણ તથા મનુષ્યના સ્વાસ્થ્યને બચાવવા અનુરોધ કર્યો હતો. કચ્છ એટલે માત્ર રણ કે પ્રવાસનનું કેન્દ્ર નહીં, પરંતુ આપત્તિઓને અવસરમાં બદલનારી પ્રયોગશીલ ધરતી. આજે આ જ ધરતી પરથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની એક નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે, જે વર્તમાન સમયની સૌથી મોટી માગ છે.

 

વધુ ઉત્પાદન મેળવવાની આંધળી દોડમાં આપણે આપણી ધરતી માતાને રાસાયણિક ખાતરોથી બંજર બનાવી દીધી છે. કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપર ગામના પ્રેરણારૂપ ખેડૂત મેઘજીભાઈ હીરાણીની આપવીતી આનું જીવંત ઉદાહરણ છે. વર્ષ 2003 પહેલાં રાસાયણિક ખેતીના અતિરેકથી તેમની જમીન સાવ નિષ્પ્રાણ થઈ ગઈ હતી. આ માત્ર મેઘજીભાઈની નહીં, પણ ભારતના હજારો ખેડૂતોની કહાની છે. જ્યારે વિજ્ઞાન હારી જાય છે ત્યારે આપણી સનાતન કૃષિ પદ્ધતિ અને દેશી ગાય વહારે આવે છે. મેઘજીભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી, પરિણામે તેમની જમીનનો ઑર્ગેનિક કાર્બન ઘટીને 0.2થી 0.7 થઈ ગયો હતો, તે આજે વધીને 1.6 થઈ ગયો છે! આ આંકડો સાબિત કરે છે કે પ્રકૃતિ પોતાની જાતને સજીવન કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, બસ આપણે તેને તક આપવી પડે.

 

પ્રાકૃતિક ખેતીનો અસલી આત્મા આપણી દેશી ગાય છે. ગાયનું ગોબર અને ગૌમૂત્ર જમીન માટે અમૃત સમાન છે. આજે ખેડૂતો માત્ર ખેતી જ નથી કરી રહ્યા, પણ ‘કૃષિ આંત્રપ્રિન્યોર’ (ખેતીવાડી ઉદ્યોગસાહસિક) બની રહ્યા છે. મેઘજીભાઈએ માત્ર 4 એકર જમીનમાં 40 ગાયોની મદદથી પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર) માંથી 125 જેટલી ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ બનાવીને આખા દેશમાં વેચાણ શરૂ કર્યું છે. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનેલા શૅમ્પુ, તેલથી લઈને ઘર ઉપયોગી દીવા, તોરણ અને ઘડિયાળ સુધીની વસ્તુઓની બજારમાં ભારે માગ છે. એટલું જ નહીં, મોટા ગોબરગૅસ પ્લાન્ટ દ્વારા રસોઈ ગૅસ મેળવવાની સાથે સાથે વીજળી જાય ત્યારે જનરેટરમાં પણ આ ગૅસ વાપરીને ડીઝલની બચત કરવામાં આવી રહી છે. આ મોડેલ દર્શાવે છે કે એક ગાય આખા પરિવારને આત્મનિર્ભર બનાવી શકે છે.

 

કુદરતી કમ્પોસ્ટ ખાતર અને ઘન જીવામૃતના પ્રયોગોથી જમીનની ભેજસંગ્રહ શક્તિ વધે છે. વળી, વાડીઓમાં ઊંડા ખાડા કરી વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના કચ્છી ખેડૂતોના પ્રયોગો જળસ્તર ઊંચા લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. તેની સાથે પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ કોડકી જેવાં ગામોમાં થઈ રહેલું વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન પર્યાવરણને નવપલ્લવિત કરી રહ્યું છે. આજનો જમાનો એ વાત સમજી ચૂક્યો છે કે હૉસ્પિટલોના ખર્ચ અને દવાઓથી બચવું હશે તો ‘ઝેરમુક્ત અન્ન’ તરફ પાછા વળવું જ પડશે. ચાલો, આપણે સૌ સાથે મળીને પ્રકૃતિ તરફ પાછા વળીએ, દેશી ગાયનું જતન કરીએ અને આપણી ધરતીને ફરી સુજલામ્ સુફલામ્ બનાવીએ.