Sat Sep 05 2026

Logo

ગુજરાતના કચ્છમાં ખનિજ તંત્રનો સપાટો, ચાર દિવસ દરમ્યાન 2. 85 કરોડનો મુદામાલ જપ્ત

2026-02-25 16:10:43
Author: Chandrakant Kanoja
ગુજરાતના કચ્છમાં ખનિજ તંત્રનો સપાટો, ચાર દિવસ દરમ્યાન 2. 85 કરોડનો મુદામાલ જપ્ત

ભુજ: કચ્છમાં ખનીજ ચોરીનું દુષણ ચિંતાજનક સ્તરે વ્યાપક બની રહ્યું છે તેવામાં અચાનક સક્રિય બનેલા ખનિજ તંત્રએ વીતેલા ચાર દિવસ દરમ્યાન કુલ રૂપિયા 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ફ્લાઈંગ સ્ક્વોડે ગત મંગળવારે વહેલી સવારથી ભુજ તાલુકાના નાગોર, અંજારના કળશ સર્કલ અને બંદરીય મુંદરા તાલુકાના મોટા કપાયા ખાતેથી ગેરકાયદે ખનિજચોરી અને પાસ-પરમીટ વિનાના પરિવહન મામલે પાંચ ડમ્પર, એક લોડર ઝડપ્યા સહીત કુલ રૂ.1.15 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

રેતીનું ગેરકાયેદે ખનન કરતાં વાહનો પકડાયા હતા

જયારે પૂર્વ કચ્છ ખનિજ તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં કરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં પૂર્વ મુંદરા અને અંજાર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી બ્લેક ટ્રેપ અને રેતીનું ગેરકાયેદે ખનન કરતાં વાહનો પકડાયા હતા અને અંદાજે પોણા બે કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા અંજાર નજીકના કળશ સર્કલ પાસે આકસ્મિક તપાસ હાથ ધરાતાં સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં ત્રણ ડમ્પરને જપ્ત કરી, વીએનએસ લીઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. 

ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતું એક ડમ્પર પકડાયુ 

આ ઉપરાંત ભુજ ખાતે નાગોર રોડ ખાતેથી સાદી રેતી ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતું એક ડમ્પર પકડવામાં આવ્યું હતું. આ અગાઉ ગત સોમવારે બંદરીય મુંદરા તાલુકાના મોટા કપાયા નદી વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતું એક ડમ્પર અને એક લોડર મશીન પકડવામાં આવ્યા હતા.