ભુજઃ કચ્છ જિલ્લામાં ખાનગી ટ્યૂશન ક્લાસિસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ખાનગી ટ્યૂશન ક્લાસિસ ચલાવવા માટેનો સમય નિશ્ચિત કર્યો છે. હવેથી જિલ્લાના તમામ ખાનગી ક્લાસિસ સવારે ૦૮:૦૦ થી સાંજના 07ઃ00 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે.
વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું કે, અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી ટ્યૂશન ક્લાસિસ વહેલી સવારે અથવા મોડી રાત્રિ સુધી કાર્યરત રહે છે. આવા સમયે અવરજવર કરતી વિદ્યાર્થિનીઓની છેડતી થવાની અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તેવી ઘટનાઓ બનવાની ભીતિ રહેલી છે. આ સંભવિત જોખમોને ટાળવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું આગામી તા. ૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ સંચાલક આ નિયત સમયમર્યાદાનો ભંગ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે, તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આ પગલાથી વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. વહીવટી તંત્રએ તમામ ક્લાસ સંચાલકોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે.