Mon Aug 17 2026

Logo

કચ્છમાં 'ક્રિટિકલ મિનરલ્સ' અને રેર અર્થ એલિમેન્ટ્સની શોધખોળ: MECLની ટીમ દ્વારા સઘન સર્વે હાથ ધરાયો

2026-08-15 13:25:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ રણ, દરિયો અને ખડકોનો ત્રિવેણી સંગમ ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છના પેટાળમાં રહેલી ખનીજ સંપત્તિ અને ભવિષ્યની ટેકનોલોજી માટે અત્યંત મહત્વના એવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ની શોધખોળ અર્થે ‘મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ’ (MECL) દ્વારા એક સપ્તાહ સુધી સઘન સંશોધન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

MECLના પૂર્વ જનરલ મેનેજર પી. રવીન્દ્રનના નેતૃત્વમાં નિષ્ણાત જિયોલોજિસ્ટોની ટીમે કચ્છ બેસિનના દેવીસર, દેવપર, સૈયદપર, નુંધાતડ અને રતનાલ બ્લોકમાં વિસ્તૃત ફિલ્ડ વર્ક કર્યું હતું. આ સંશોધનનો મુખ્ય હેતુ રેર અર્થ એલિમેન્ટ્સ તેમજ બોક્સાઈટ અને એલ્યુમિનસ લેટેરાઈટ આધારિત મહત્વના ખનીજોના ભંડારો શોધવાનો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાનો છે.

સંશોધન દરમિયાન મેળવેલા ડેટાના આધારે ભવિષ્યના સઘન એક્સપ્લોરેશન માટે નવા ટાર્ગેટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. આ ક્રિટિકલ મિનરલ્સ આગામી સમયમાં દેશના ડીફેન્સ, ઈલેક્ટ્રોનિક્સ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે અત્યંત ઉપયોગી સાબિત થશે.

નોંધનીય છે કે, ઓક્ટોબર 1972માં સ્થાપિત અને નાગપુર ખાતે વડું મથક ધરાવતી આ સંસ્થા ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળની ‘મિનીરત્ન કેટેગરી-1’ કંપની છે. આ સંસ્થા દેશભરમાં જમીન અને પેટાળમાં રહેલી ખનીજ સંપત્તિની આધુનિક ટેકનોલોજીથી શોધખોળ, જિયોલોજિકલ મેપિંગ, ડીપ ડ્રિલિંગ અને લેબોરેટરી ટેસ્ટિંગ જેવી મહત્વની કામગીરી પૂરી પાડી દેશને ખનીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે.

(ઉત્સવ વૈદ્ય)