શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં સોમવારે એક મોટો વહીવટી અને સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમની વિદાય બાદ હવે આરએસએસના વરિષ્ઠ પદાધિકારી અને પૂર્વ આઈએફએસ (IFS) અધિકારી કૃષ્ણ મોહનને ટ્રસ્ટના નવા કાર્યવાહક મહાસચિવ બનાવવામાં આવ્યા છે. હવેથી કૃષ્ણ મોહન કાર્યવાહક મહાસચિવ તરીકે રામ મંદિર ટ્રસ્ટના તમામ વહીવટી અને સંગઠનાત્મક કાર્યોની કમાન સંભાળશે.
કોણ છે કૃષ્ણ મોહન?
73 વર્ષીય કૃષ્ણ મોહન મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના વતની છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારી છે. એટલું જ નહીં પરંતુ ભારતીય વન સેવાના પૂર્વ નિવૃત્ત અધિકારી પણ રહી ચૂક્યા છે. વહીવટી ક્ષેત્રે તેમનો વિશાળ અનુભવ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમની લાંબી સક્રિયતાને જોતા તેમને રામ મંદિર ટ્રસ્ટની આ અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં કૃષ્ણ મોહન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વી ઉત્તર પ્રદેશ ક્ષેત્રના 'ક્ષેત્ર સંઘચાલક' તરીકે સેવા આપી રહ્યા છે.
કૃષ્ણ મોહનને વર્ષ 2025 માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે ટ્રસ્ટમાં કામેશ્વર ચૌપાલનું સ્થાન લીધું હતું. ટ્રસ્ટમાં જોડાયા બાદથી જ તેઓ મંદિર નિર્માણ, વહીવટી વ્યવસ્થાઓ અને રામ મંદિર પરિસરની વિવિધ પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહ્યા હતા અને સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે.
પરમાણુ ઉર્જા વિભાગથી લઈને IFS સુધીની સફર
કૃષ્ણ મોહને લખનઉ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેમણે પોતાના વ્યાવસાયિક જીવનની શરૂઆત ભારત સરકારના પરમાણુ ઊર્જા વિભાગથી કરી હતી, જ્યાં તેમણે થોડા વર્ષો સુધી સેવા આપી. ત્યારબાદ તેઓ ભારતીય વન સેવામાં પસંદગી પામ્યા હતા. વર્ષ 2012 માં આઈએફએસ અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ સંપૂર્ણપણે સામાજિક અને સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય થઈ ગયા હતા.