Sun Oct 04 2026

Logo

એક વિદ્યાર્થિની માટે રોજ 5 કિમી જંગલમાં ચાલીને પહોંચે છે સ્કૂલ, જાણો કોલ્હાપુરના શિક્ષકની પ્રેરણાદાયી સ્ટોરી

2026-09-13 15:58:05
Author: Mumbai Samachar Team
એક વિદ્યાર્થિની માટે રોજ 5 કિમી જંગલમાં ચાલીને પહોંચે છે સ્કૂલ, જાણો કોલ્હાપુરના શિક્ષકની પ્રેરણાદાયી સ્ટોરી

NBT


કોલ્હાપુર: હિન્દીમાં શિક્ષણ માટે એક વાત અચૂક કહેવાય છે કે 'એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ'. શિક્ષકોનું જીવન સખત પરિશ્રમી હોય છે. દુનિયામાં મોટાભા ગના શિક્ષકો શાળાએ જવા માટે આજે બસ, મેટ્રો, લોકલ ટ્રેનો કે પોતાની કારનો ઉપયોગ કરે છે, પરંતુ દેશના અનેક અંતરિયાળ ગામડાઓ જ્યાં આજે પણ પહોંચવામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પહોંચવામાં મુશ્કેલીઓ પડે છે. મહારાષ્ટ્રના 55 વર્ષીય જીવન મિથારીનું જીવન પણ આકરું છે. 

મિથારી રોજ ગાઢ જંગલો, વરસાદ અને જંગલી પ્રાણીઓ તેમજ કાચા રસ્તાઓની વચ્ચે આશરે પાંચ કિલોમીટર પગપાળા સફર કરીને દૂર એક અંતરિયાળ ગામની શાળાએ પહોંચે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ શાળામાં ફક્ત એક જ વિદ્યાર્થિની ભણે છે છતાં તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ દરરોજ અહીંયા જાય છે. 

13 વર્ષથી શિક્ષણ આપી રહ્યા છે 
જીવન મિથારી કોલ્હાપુર જિલ્લામાં ગગનબાવડા તાલુકા ખાતે 'કવલટેક ધનગરવાડા'ની જિલ્લા પરિષદ શાળાએ છેલ્લા 13 વર્ષથી શિક્ષણ આપી રહ્યા છે. આ ગામમાં વીજળી કે પાક્કો રસ્તો પણ નથી. આ ગામ સુધી પહોંચવા લગભગ 5 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. મિથારીએ કહ્યું કે 'હું 26 જુલાઈ 2013માં પહેલીવાર ત્યાં ગયા હતો, ત્યારથી સતત સેવા આપી રહ્યો છું.' 

શિક્ષકોના ટોણાએ લીધો નિર્ણય
આ દુર્ગમ વિસ્તારમાં જવાની તેમની કહાની પણ રસપ્રદ છે. જીવન મિથારી અગાઉ કોલ્હાપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સહકારી બેંકના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમના સાથી શિક્ષકોએ એક વખત ટોણો માર્યો હતો કે વગદાર શિક્ષકોને હંમેશાં સરળ વિસ્તારોમાં પોસ્ટિંગ મળી જાય છે, જ્યારે સામાન્ય શિક્ષકોને દુર્ગમ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. મિથારીએ આ વાતને પડકાર તરીકે લીધી અને પોતે જ આ દુર્ગમ ગામમાં બદલી કરાવી લીધી હતી. 

વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
એક સમયે કવલટેક અને આનંદુર ધનગરવાડા વિસ્તારમાં લગભગ 70થી 100 પરિવારો રહેતા હતા અને શાળામાં પણ બાળકોની સંખ્યા સારી હતી. પરંતુ વર્ષ 2000 પછી રોજગાર અને આજીવિકાની શોધમાં અનેક પરિવારો કોલ્હાપુર શહેર તરફ સ્થળાંતર કરવા લાગ્યા હતા. પરિણામે ગામમાં બાળકોની સંખ્યા સતત ઘટતી ગઈ. આ વર્ષે શાળામાં સત્તાવાર રીતે માત્ર એક વિદ્યાર્થીની જે ધોરણ 3માં ભણતી સ્વરા બોડકે છે. સ્વરાની નાની બહેન પણ તેની સાથે શાળાએ આવે છે, કારણ કે ગામમાં આંગણવાડી કેન્દ્ર નથી. સ્વરાની નાની બહેન આગામી વર્ષે ધોરણ 1માં પ્રવેશ લેશે. જીવન મિથારીનું કહેવું છે કે બાળકોની સંખ્યા ઓછી હોય કે વધારે, તેમણે પોતાની ફરજ નિભાવવાની જ છે.

રસ્તામાં જંગલી પ્રાણીઓનો ભય 
શાળા સુધી પહોંચવાનો રસ્તો જોખમથી ભરેલો છે. આ વિસ્તારમાં ગૌર અને દીપડા જેવા જંગલી પ્રાણીઓની અવરજવર રહે છે. મિથારી જણાવે છે કે સ્થાનિક ગ્રામજનોએ તેમને શીખવ્યું છે કે ગૌર (જંગલી ભેંસ) મળે ત્યારે અને ગૌરના ટોળા સામે આવે ત્યારે કેમ વર્તવું જોઈએ. એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે એક વખત દીપડાએ એક વાછરડાને મારી નાખ્યું હતું. આ ઘટનાના પગલે અધિકારીઓએ મિથારીને વિદ્યાર્થીઓને શાળાએ અવરજવર વખતે રસ્તામાં ક્યાંય બેસવા કે રોકાવવાની પણ સલાહ આપી હતી.

...તો વિદ્યાર્થીઓને 11 કિમી ચાલવું પડશે
મિથારી માટે આ શાળા ચાલુ રહેવી ખૂબ જ જરૂરી છે. તેમનું કહેવું છે કે જો આ શાળા બંધ થઈ જાય તો નજીકની શાળા ઢુંડાવડેમાં છે. એવી સ્થિતિમાં છથી નવ વર્ષનાં નાના વિદ્યાર્થીઓને રોજ 11 કિલોમીટર પગપાળા અવરજવર કરવી પડશે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ સફર લગભગ અશક્ય બની જાય છે. મિથારી મે 2029માં નિવૃત્ત થવાના છે. તેમણે કહ્યું હતું કે રોજ આ લાંબી પગપાળા મુસાફરીને તેઓ કસરત તરીકે લે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોવા છતાં તેમની સુરક્ષા માટે શાળાની આસપાસ મજબૂત ચારેકોર દીવાલ બનાવવી અત્યંત જરૂરી છે.