પટનાઃ પટનાના ખાન સર પોતાના માહિતીપ્રદ વીડિયોને કારણે ચર્ચાયા નહીં એટલા વિવાદને કારણે ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. ફાયરિંગની ઘટના વચ્ચે પોલીસને અનેક દિશામાં તપાસ કરતા વીડિયો ફૂટેજ મળી આવ્યા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા પોલીસને એવા વીડિયો મળ્યા, જેમાંથી કેટલાક તત્ત્વો સામે પગલાં લેવા માટે પુરતા પુરાવાઓ મળ્યા.
ફાયરિંગની ઘટના બાદ છેલ્લા કેટલાક સમયથી કોચિંગ ક્લાસ રડારમાં આવી ગયા છે. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવાનો પોસ્ટર ફાડી રહ્યા છે. એમના ચહેરા પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોલીસ આગળની તપાસ માટે અન્ય કડી જોડે એ પહેલા રોશન આનંદ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ક્યાં છે આખરે ખાન સર?
પોલીસ હાલમાં ખાન સર ક્યાં છે એની તપાસમાં છે. પટનાના કદમકુવા વિસ્તારમાં જ્ઞાનબિંદુ કોચિંગના સંચાલક રોશન આનંદનું એક બેનર લાગ્યું હતું, જે કેટલાક તોફાની યુવાનોએ ફાડી નાંખતા કોચિંગ સેન્ટર જુથ વિવાદ સામે આવ્યો. બેનર ફાડવાના મુદ્દે બે કોચિંગ સેન્ટરના જૂથ વચ્ચે સંઘર્ષ એટલો વધી ગયો કે, ખાન ગ્લોબલ સ્ટડીઝ કેમ્પસમાં પણ પથ્થર મારો કરાયો, હોર્ડિંગ તોડી નાંખવામાં આવ્યા, સુરક્ષા ગાર્ડ સાથે મારપીટ કરવામાં આવી, જેમાં એક ગાર્ડને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેતું હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોચિંગ સેન્ટરનો વિવાદ ઘર્ષણમાં ફેરવાતા પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી.
ખાન સામે ડર ફેલાવવાનો આરોપ
પોલીસ ખાન સરની સામે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ ફાઈલ કરીને તપાસ શરૂ કરી છે. કુદમકુવા પોલીસ સ્ટેશનમાં એની સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ખાન સરને પકડવા માટે પોલીસે ટીમ બનાવીને સર્ચ શરૂ કર્યું છે. ફૈઝલ ખાન અને તેના બન્ને ગાર્ડ પર થયેલી FIRમાં પોલીસે ગાર્ડનું નિવેદન લઈને એ વાતનો ઉલ્લેખ કર્યો છે.
બન્ને ગાર્ડે પોલીસને જણાવ્યું હતું કે, ખાન સર એવું બોલ્યા હતા કે, જુઓ છો શા માટે? ગોળી મારો. ફરિયાદમાં અયોગ્ય વર્તન અને ડર ફેલાવવાનો પણ આરોપ છે. બેનર ફાડવાની ઘટના 2 જુનની છે. ખાન સરના કોચિંગ ક્લાસ પાસે થયેલી આ બબાલના વીડિયો સામે આવ્યા છે. આ બબાલ બાદ જ્ઞાનબિંદુ કોચિંગ સેન્ટરના ડાયરેક્ટર રોશન આનંદની ધરપકડ થઈ છે, જ્યારે ફૈઝલની ધરપકડ પર લટકતી તલવાર છે. પટના પોલીસે આ અંગે વિગતવાર રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, જેમાં ખાન સરની ધરપકડ બાદ હકીકત વધારે સ્પષ્ટ થશે.