Wed Sep 02 2026

Logo

હવે કેસર કેરી મળશે મબલખઃ તાલાળા યાર્ડમાં આવ્યા દસ હજાર બોક્સ

2026-04-20 21:17:21
Author: Pooja Shah
હવે કેસર કેરી મળશે મબલખઃ તાલાળા યાર્ડમાં આવ્યા દસ હજાર બોક્સ

અમદાવાદઃ ઉનાળાની ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે અને વેકેશન પણ આવી ગયું છે ત્યારે હવે લોકોને થોડા સસ્તા ભાવમાં સારી કેસર કેરી મળશે, કારણ કે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં સત્તાવાર રીતે કેરીનું આગમન થયું છે અને લગભગ 10,400 બોક્સ આવી ચૂક્યા છે. 
પહેલા જ દિવસે લગભગ ૧૦,૪૦૦ બોક્સ (૧૦ કિલોગ્રામ પ્રતિ બોક્સ) આવી પહોંચ્યા છે. જોકે હજુ ભાવ થોડો ઊંચો જ છે. હરાજી દરમિયાન, સારી ગુણવત્તાવાળી કેસર કેરી પ્રતિ બોક્સ ₹૧,૨૫૦ સુધી વેચાઈ હતી જ્યારે ઓછી ગુણવત્તાવાળી કેરી પ્રતિ બોક્સ લગભગ ₹૪૫૦ ના ભાવે વેચાઈ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

જોકે, ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે પાક મોડો આવ્યો છે અને એકંદર ઉત્પાદન ગયા સિઝનની તુલનામાં ઓછું છે. ગયા વર્ષે પહેલા દિવસે યાર્ડમાં ૧૪,૫૦૦ બોક્સની આવક નોંધાઈ હતી, જેની કિંમત પ્રતિ બોક્સ ₹૧,૫૦૦ને સ્પર્શી ગઈ હતી. આ વર્ષે આવક અને ભાવ બંનેમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યુ છે. 

સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં કેરીના વેપારીઓ અને ફળના વેપારીઓ પ્રખ્યાત કેસર કેરી ખરીદવા માટે તાલાળા યાર્ડ ખાતે આવતા હોય છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં પરંપરા અનુસાર ગાયને પ્રતીકાત્મક રીતે કેરી અર્પણ કરી હરાજી શરૂ થઈ હતી. હરાજીમાં પ્રથમ બોક્સ માટે પાંચ અગ્રણી સ્થાનિક વેપારીઓએ ખાસ બોલી લગાવી હતી, જેમાં સામૂહિક રીતે ₹57,770નું યોગદાન આપવામાં આવ્યું હતું. આ રકમ વિવિધ ગૌશાળાઓમાં પશુઓના જાળવણી માટે દાનમાં આપવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 
હવે કેસર કેરી મોટા પ્રમાણમાં માર્કેટમાં જોવા મળે તેમ માનવામાં આવે છે અને થોડી સસ્તી થાય તેવી આશા પણ લોકો સેવી રહ્યા છે.