Sun Sep 06 2026

Logo

ઉઝબેકિસ્તાનમાં કેરલમની મેડિકલ સ્ટુડન્ટની ધર્મ પરિવર્તનના દબાણ બાદ હત્યાનો આરોપ

uzbekistan   2026-07-10 22:01:08
Author: Chandrakant Kanoja
ઉઝબેકિસ્તાનમાં કેરલમની મેડિકલ સ્ટુડન્ટની ધર્મ પરિવર્તનના દબાણ બાદ હત્યાનો આરોપ

ઉઝબેકિસ્તાન : ઉઝબેકિસ્તાનમાં અભ્યાસ કરતી ભારતીય મહિલા મેડિકલ સ્ટુડન્ટનું  ધર્મ પરિવર્તન માટે દબાણ બાદ કથિત રીતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં પોલીસે  એક ભારતીય વિદ્યાર્થી અને તેના સાથી સહાધ્યાયીની ધરપકડ કરી છે. આ 21 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ સાંવરિયા બસંતના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે તેની પર આરોપી વિદ્યાર્થી  લાંબા સમયથી ધર્મ પરિવર્તનનું દબાણ કરતો હતો. 

મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી

સાંવરિયા બસંત ઉઝબેકિસ્તાનમાં બુખારા સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. તેના પર હુમલો કરીને હત્યા કરવાના આરોપમાં 22 વર્ષીય સદરુલ અનમ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ  આરોપી કેરળના મલપ્પુરમ જિલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉઝબેકિસ્તાન પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને તપાસ શરૂ કરી છે.

કેરલમમાં પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા

સાંવરિયા બસંતના પાર્થિવ દેહને  ભારત લાવ્યા બાદ તેના પરિવારની વિનંતી પર ગુરુવારે અલાપ્પુઝા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બીજી પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા. 

કેરલમના હરિપદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાયો 

તેમજ પીડિતાના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે કેરલમના હરિપદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ઉઝબેકિસ્તાનના અધિકારીઓ પાસેથી સત્તાવાર માહિતીની રાહ જોઈ રહી છે.