આજના જમાનામાં જ્યાં નજીવી રકમ માટે સગા ભાઈ-બહેન પણ ઝગડી પડે છે, ત્યારે સોશિયલ મીડિયા પર દોસ્તી અને પ્રામાણિકતાની એક એવી અદ્ભૂત વાર્તા સામે આવી છે જે લોકોના દિલ જીતી રહી છે. કેરળના રહેવાસી ઈસ્માઈલ નામના એક શખ્સે ૩૫ વર્ષ પહેલાં પોતાના દોસ્ત પાસેથી લીધેલું એક નાનું ઉધાર ચૂકવવા માટે આખા બીજા રાજ્યમાં જઈને તેને શોધી કાઢ્યો હતો અને પ્રામાણિકતાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને આખું ઈન્ટરનેટ સલામ કરી રહ્યું છે.
સ્ટોરીની શરૂઆત થાય છે વર્ષ 1991માં. જ્યારે ઈસ્માઈલ કાકા અને તેમના મિત્ર એડલા લચન્ના કાકા બંને સાઉદી અરેબિયામાં સાથે કામ કરતા હતા. લગભગ પાંચ વર્ષ સુધી એક જ રૂમમાં રહ્યા અને ખૂબ જ પાકા મિત્રો બની ગયા. જોકે, આ સમય દરમિયાન ઈસ્માઈલ કાકાને પૈસાની જરૂર પડતાં તેમણે લચન્ના કાકા પાસેથી 120 રિયાલ કે જે તે સમયે ભારતના આશરે રૂપિયા 1000 ઉધાર લીધા હતા. ઈસ્માઈલે પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લચન્ના કાકા ભારત પાછા આવી ગયા. એ જમાનામાં મોબાઈલ ફોન કે સોશિયલ મીડિયા ન હોવાથી બંનેનો સંપર્ક તૂટી ગયો હતો.
દાયકાઓ વીતી ગયા પણ ઈસ્માઈલ કાકા આ વાત ભૂલ્યા નહીં અને તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પોતાના મિત્રનું ઉધાર ચૂકવીને જ રહેશે. તેમની પાસે લચન્ના કાકાનો ફોન નંબર કે ઘરનું પૂરું સરનામું પણ નહોતું, માત્ર એટલી ખબર હતી કે તેઓ તેલંગાણાના 'ધર્મપુરી' નામના વિસ્તારમાં રહે છે. ઈન્ટરનેટની મદદથી તેઓ ધર્મપુરી પહોંચ્યા અને સ્થાનિક લોકોને પૂછતાં-પૂછતાં આખરે પોતાના મિત્રના ઘર સુધી પહોંચી ગયા.
ઈસ્માઈલ કાકા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે લચન્ના કાકા ફરી કામ અર્થે વિદેશ ગયા હતા. પરંતુ ઈસ્માઈલ કાકાએ તેમના પરિવારને 25,000 રૂપિયા સોંપ્યા અને ત્યાર બાદ બંને મિત્રોએ વોટ્સએપ પર વીડિયો કોલ પર વાત કરી. 35 વર્ષ પહેલાં લીધેલા એક હજાર રૂપિયાના બદલે રૂપિયા 25,000 પાછા મળતાં લચન્ના કાકા ભાવુક થઈને રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે ઈસ્માઈલ ખૂબ જ ઈમાનદાર માણસ છે અને તેમણે કદાચ વર્ષોનું વ્યાજ ઉમેરીને આ રકમ આપી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટના વાઈરલ થતાં જ નેટિઝન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. લોકો ઈસ્માઈલ કાકાની ઈમાનદારી અને સચ્ચી દોસ્તીની મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા ઉદાહરણો જ સાબિત કરે છે કે માનવતા અને સચ્ચી દોસ્તી હજુ પણ જીવંત છે.