Tue Oct 06 2026

Logo

દાદીના 'દબંગ' અવતારે ફૂટપાથ પર ગાડી ચલાવનારની શાન ઠેકાણે લાવી! ટ્રાફિક વિભાગે પણ કર્યા સલામ!

2026-02-14 11:08:22
Author: Devayat Khatana
દાદીના 'દબંગ' અવતારે  ફૂટપાથ પર ગાડી ચલાવનારની શાન ઠેકાણે લાવી! ટ્રાફિક વિભાગે પણ કર્યા સલામ!

કોઝિકોડ: ભારતમાં ટ્રાફિક નિયમોને તોડવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આપણી સામે પણ અનેક વખત ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય છે, પરંતુ આપણે તેની સામે કોઈ અવાજ ઉઠાવતા નથી. કહેવાય છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ઉંમર નહીં પણ મજબૂત મનોબળની જરૂર હોય છે. કેરળના કોઝિકોડમાં ૭૩ વર્ષીય પ્રભાવતી અમ્માએ આ વાત સાબિત કરી બતાવી છે. રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક શખ્સને જાહેરમાં અટકાવીને તેને શિખામણ આપતા દાદીમાનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, ગત ગુરુવારે કોઝિકોડના ઇરાંગીપાલમ બાયપાસ પાસેના સિગ્નલ નજીક પ્રભાવતી અમ્મા નજીકની દુકાને સામાન લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક સ્કૂટર ચાલક ટ્રાફિકથી બચવા માટે રોડ છોડીને ફૂટપાથ પર ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે ત્યાં ચાલતા રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ જોઈને પ્રભાવતી અમ્મા જરા પણ ડર્યા વગર સ્કૂટરની આડે ઉભા રહી ગયા હતા અને ચાલકને ફૂટપાથ પરથી ગાડી નીચે ઉતારવા મજબૂર કર્યો હતો.
 

આ ઘટનાનો વિડિયો સામે આવ્યા બાદ કેરળના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ (MVD) દ્વારા પણ દાદીમાની આ જાગૃતિની પ્રશંસા કરવામાં આવી છે. સત્તાધીશોએ તાત્કાલિક કાર્યવાહી કરતા જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ તે સ્કૂટર ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. પ્રભાવતી અમ્માએ સાબિત કરી દીધું છે કે જો દરેક નાગરિક જાગૃત બને તો સમાજમાં ખોટું કરનારા તત્વો પર લગામ લગાવી શકાય છે.