Mon Oct 05 2026

Logo

કાવ્યા મારનનો ફેવરિટ અને ફ્લૉપ પાકિસ્તાની બોલર બની ગયો વર્લ્ડ નંબર વન

Dubai   2026-09-24 11:33:00
Author: Ajay Motiwala
કાવ્યા મારનનો ફેવરિટ અને ફ્લૉપ પાકિસ્તાની બોલર બની ગયો વર્લ્ડ નંબર વન

દુબઈ: પાકિસ્તાનના 28 વર્ષીય સ્પિનર અબ્રાર અહમદને ભારતની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારને થોડા મહિના પહેલાં ઇંગ્લૅન્ડની ‘ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં મોટા ઉપાડે 2.34 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ત્યારે તો તે સાવ ફ્લોપ ગયો હતો, પરંતુ હવે આઇસીસીના નવા ટી-20 રેન્કિંગમાં તે પહેલી વખત વર્લ્ડ નંબર વન બોલર બની ગયો છે. ટી-20ના બૅટ્સમેનોમાં ભારતનો ઈશાન કિશન વર્લ્ડ નંબર વન છે.

લેગબ્રેક ગુગલી સ્પેશ્યલિસ્ટ અબ્રાર અહમદે ‘ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં આઠ મૅચમાં માત્ર ચાર વિકેટ લીધી હતી. કાવ્યા મારને તેને સનરાઈઝર્સ લીડ્સ નામની ટીમ માટે ઑક્શનમાં 2.34 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કાવ્ય મારનના એ નિર્ણય સામે ત્યારે ખૂબ વિવાદ થયો હતો. અબ્રાર ફક્ત ચાર વિકેટ લઈ શક્યો અને કાવ્ય મારનના ફ્રેન્ચાઇઝીના 2.34 કરોડ રૂપિયા પાણીમાં ગયા હતા એવી ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચા હતી.

2009ની સાલથી પાકિસ્તાનના કોઈપણ ખેલાડીને આઈપીએલમાં નથી રમાડવામાં આવતા. કેમ છતાં કાવ્ય મારને ઇંગ્લૅન્ડની ટૂર્નામેન્ટ માટે અબ્રારને ખરીદ્યો હતો.

આસીસીએ જાહેર કરેલા ટી-20 મેન્સ રેન્કિંગ (RANKING)માં અબ્રાર (Abrar) હવે વર્લ્ડ નંબર વન બોલર છે. તેણે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનનું સ્થાન લીધું છે.

તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં અબ્રારે પાંચ મૅચમાં માત્ર છ વિકેટ લીધી હતી. ખાસ કરીને તેણે શ્રીલંકા સામેની મૅચમાં ત્રણ વિકેટ મેળવી હતી. 15મી ફેબ્રુઆરીએ તે ભારત સામેની કોલંબોની મૅચમાં સદંતર ફ્લોપ હતો. તેને 38 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. ભારતે એ મૅચ 61 રનથી જીતી લીધી હતી.