Mon Oct 05 2026

Logo

કથા કોલાજઃ એ જે રીતે અન્ય સ્ત્રીમાં રસ લેતો હતો એ જોતાં મને લાગ્યું કે...

2026-09-24 07:45:00
Author: Kajal oza Vaidya
કથા કોલાજઃ એ જે રીતે અન્ય સ્ત્રીમાં રસ લેતો હતો એ જોતાં મને લાગ્યું કે...

 

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 4)
નામ: એન બોલેઈન
સમય: જાન્યુઆરી, 1559
સ્થળ: વેસ્ટમિનિસ્ટર એબે, લંડન
ઉંમર: 58 વર્ષ (જો જીવિત હોત તો)

હવે, હું ઇંગ્લૅન્ડની રાણી છું. હેન્રી 8મો, ઇંગ્લૅન્ડનો પ્રભાવશાળી રાજા મારો પતિ છે... પરંતુ એનાથી મને સુખ કે સંતોષ મળ્યાં નહીં. ઇંગ્લૅન્ડની પ્રજાએ મને કદી સ્વીકારી નહીં. મારા રાજ્યાભિષેક દરમિયાન ‘લોંગ લિવ ધ ક્વિન’ના નારા લગાવવાને બદલે લોકોએ ‘વ્હિચ વ્હિચ’ (ડાકણ ડાકણ)ની બૂમો પાડી. સહુને લાગતું હતું કે મેં કાળો જાદુ કરીને હેન્રીને મારા વશમાં કરી લીધો હતો. હેન્રી મારા વશમાં હતો, પણ બહુ થોડા સમય માટે. સાત વર્ષ એણે મારી પ્રતીક્ષા કરી, મારી સાથે લગ્ન કરવા માટે આસમાન-જમીન એક કરી નાખ્યાં એ દરમિયાન હેન્રી મને એક દિવસ પણ ન જુએ તો બેચેન થઈ જતો. 

ઇંગ્લૅન્ડના રાજકારણમાં, દરબારમાં અને હેન્રીના અંગત નિર્ણયોમાં પણ એ મારો અભિપ્રાય ચોક્કસ પૂછતો. મેં આ પરિસ્થિતિનો સારો એવો લાભ ઉઠાવ્યો. એ સાત વર્ષ દરમિયાન મેં થોમસ વોલ્સીને ઇંગ્લૅન્ડના રાજાથી દૂર કરવાનું કામ કર્યું. અનેક લોકો જેમણે મારા અને હેન્રીનાં લગ્નમાં વિઘ્ન નાખ્યાં હતાં, હેન્રીને મારા વિરુદ્ધ ચઢાવવાનું કામ કરતા હતા એવા સૌને મેં ધીરે ધીરે હેન્રીથી દૂર કર્યા. ઇંગ્લૅન્ડના રાજદરબાર પર હેન્રી નહીં, પણ એન બોલેઈનનું રાજ હતું એવી ગુસપુસ ચાલતી. મને તો એનાથી આનંદ જ થતો... લગ્ન કર્યા પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ.

ઇંગ્લૅન્ડનો રાજા હેન્રી 8મો, મારો પતિ તો બન્યો, પણ અમારાં લગ્નના થોડાક જ સમયમાં હેન્રી મારી બદ્ધિ, તેજસ્વિતા, હાજર જવાબીપણા અને રાજકારણની ઊંડી સમજથી અકળાવા લાગ્યો. એનો અહંકાર ચરમસીમાએ હતો, કોઈ સ્ત્રી એના નિર્ણયો પર સવાલ કરે કે એની ભૂલ કાઢે એ હેન્રીને કોઈ સંજોગોમાં મંજૂર નહોતું. હું ક્યારેક એવું કરી બેસતી. મને એવું લાગતું હતું કે એવું કરીને હું મારા પતિની મદદ કરું છું. એને વધુ સારો રાજા બનવામાં, લોકપ્રિય બનવામાં મારી આવી સલાહ એને કામ લાગશે, પરંતુ હેન્રી માટે આવી કોઈ પણ સલાહ કે પ્રશ્ર્નોત્તરી એના રાજા હોવા પર, એના પુરુષ હોવા પર એની સત્તા અને અહંકાર પર સીધો ઘા હતો. 

હેન્રી એના પ્રકૃતિ મુજબ કોઈ એક સ્ત્રી સાથે લાંબો સમય બંધાઈને રહી શકે એમ હતો જ નહીં. કેથરિન પછી મેરી અને મેરી પછી મારો બન્યો તો ખરો, પણ હવે એને અન્ય સ્ત્રીઓમાં રસ પડવા લાગ્યો હતો. જે હું સહન કરી  શકું એમ નહોતું. એથી આગળ વધીને એક નવો પ્રશ્ર્ન એવો સર્જાયો કે મેં પણ દીકરીને જન્મ આપ્યો. હેન્રી માટે રાજગાદીનો વારસ મેળવવો એ અનિવાર્ય જરૂરિયાત બનવા લાગી હતી. માત્ર સ્ત્રી પરત્વેના રસને કારણે નહીં, પરંતુ રાજગાદીના વારસ માટે પણ હવે એની નજરો ભટકવા લાગી. 

જે લગ્ન માટે ઇંગ્લૅન્ડના રાજાએ પોપ સાથે સંઘર્ષ કર્યો, પોતાનાં લગ્ન રદ કરાવવા માટે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડની સ્થાપના કરી અને પોતે એનો વડો બન્યો એ હવે જાણે કે મારાથી કંટાળી ગયો હોય એવું વર્તવા માંડ્યો. એ જ ગાળામાં મારા ભાઈ જ્યૉર્જ બોલેઈનનાં લગ્ન થયાં. એ એની પત્ની સાથે સુખી હતો, પરંતુ હું એકદમ અસલામત અને ચિંતિત રહેવા લાગી. 

હેન્રી જે રીતે અન્ય સ્ત્રીઓમાં રસ લેતો હતો એ જોતાં મને લાગ્યું કે એ મને કાઢી મૂકશે. મારી નજર સામે જ એણે કેથરિન ઑફ એરોગોન સાથેનાં લગ્નને અવૈધ ગણાવીને એને કાઢી મૂકી હતી. જે કામ કરવાનો રસ્તો મેં જ એને બતાવ્યો, હવે એ જ ઉપાય મારા પર અજમાવશે એવો ભય મને સતત લાગતો હતો. મારી દીકરી એલિઝાબેથના જન્મ પછી હેન્રીને બાંધી રાખવાના મારા તમામ પ્રયત્નો નકામા નીવડ્યા. હેન્રી પુત્ર માટે ધમપછાડા કરી રહ્યો હતો અને હું ફરીથી ગર્ભવતી થવાના પ્રયત્નોમાં હેન્રીને પામવા માટે મારાથી થઈ શકે તે બધું કરવા લાગી. 

મેરીનું શું થયું? એ હંમેશાં શાંત અને સંતુષ્ટ હતી. થોડોક વખત માટે એને હેન્રીની અવગણનાનું દુ:ખ થયું, પરંતુ એની સરળતા અને સ્નેહપૂર્ણ સ્વભાવે ફરી પાછો એક પુરુષ એના પ્રેમમાં પાગલ થયો. એ હતો વિલિયમ કેરી. ઇંગ્લૅન્ડના રાજદરબારમાં થોડી નીચી પાયરીનો એક દરબારી. મેરીનાં આ બધાં જ વર્ષો દરમિયાન એણે મેરીની કાળજી કરી હતી. એના સારા-ખરાબ સમયમાં એનું ધ્યાન રાખ્યું હતું. 

મેરી ધીરે ધીરે વિલિયમ કેરીની નજીક આવી, વિલિયમે લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી. મેરીએ શર્ત કરી કે એ લોકો લંડન છોડી દેશે અને વિલિયમ કેરીની નાનકડી જાગીર પર જઈને લંડનના રાજકારણ મહાલય અને ખટપટથી દૂર એક સુખી, શાંત, સ્નેહપૂર્ણ જીવન વિતાવશે. વિલિયમે તરત જ મેરીની શરત માની લીધી. મેરી અને વિલિયમ લંડન છોડીને ચાલી ગયાં. એક રીતે મારા માટે નિરાંત થઈ, પણ બીજી રીતે મારા માટે આ બહુ ઇચ્છનીય પરિસ્થિતિ નહોતી. 

મેરી મારો સપોર્ટ હતી. મોટી બહેન તરીકે એણે હંમેશાં મારું ધ્યાન રાખ્યું અને સારા-ખરાબ સમયમાં મારો સાથ આપ્યો. મેં એની સાથે જે કર્યું હોય તે, પણ મેરીએ કોઈ દિવસ મને નુકસાન નથી કર્યું એ વાત મારે સ્વીકારવી જોઈએ. હું જ શું કામ, ઇંગ્લૅન્ડનો રાજા પણ આ વાત સ્વીકારતો. મારી સાથે લગ્ન કરવા માટે ભલે એણે મેરીને તરછોડી, પણ મેરી માટેનો એનો આદર, વિશ્વાસ અને સ્નેહ ક્યારેય ઘટ્યાં નહીં...

મારી દીકરી એલિઝાબેથના જન્મ પછી રાજા જેઈન સેમોર સાથેના સંબંધમાં હતા. જેઈન સેમોર સાથે લગ્ન કરવા માટે મારી સાથેનાં લગ્ન તૂટે એ જરૂરી હતું. 1536માં જ્યારે મારા સંબંધમાંથી કેવી રીતે છૂટવું એ વિશે વિચાર શરૂ થયો ત્યારે જ જ્યારે હેન્રી પર્સી સાથેના મારા સંબંધોની વાત વોલ્સીએ ઇંગ્લૅન્ડના રાજાના કાને નાખી ત્યારે રાજાને મારી સાથે લગ્ન તોડવાનું કારણ મળી ગયું. જ્યારે હેન્રી મારા પ્રેમમાં હતો ત્યારે વોલ્સી અને બીજા દરબારીઓને દૂર કરવા માટે મેં જે રાજરમત કરી હતી એ જ રમત એ લોકો મારી સાથે રમ્યા. 

વોલ્સીએ હેન્રી પર્સી સાથેના મારા સંબંધોની વાત રાજાને કહી એટલું જ નહીં, એમણે રાજાના મગજમાં નાખ્યું કે હું લગ્ન પહેલાં કુમારી અથવા વર્જિન નહોતી! પર્સી સાથે મેં સંભોગ કર્યો હતો, એટલે રાજા સાથે લગ્ન કરવા માટે જ્યારે હું એમને મારાથી દૂર રાખતી હતી ત્યારે એ ફક્ત નાટક હતું... હેન્રી માટે આ માની લેવું અઘરું નહોતું કારણ કે, જેઈન સેમોર એના જીવનમાં પ્રવેશી ચૂકી હતી! વ્યભિચાર અને દેશદ્રોહના આરોપ સાથે મને દરબારમાં રજૂ કરવામાં આવી. 

1536માં જ્યારે આ આરોપો મારી સામે મૂકવામાં આવ્યા ત્યારે મારા મામા, મારા પિતા કે મારો ભાઈ, કોઈ મારી સાથે ઊભું રહ્યું નહીં. સત્તા વધારવા માટે જે પિતાએ બંને દીકરીઓનો ઉપયોગ કર્યો એ પિતા દીકરીને શિરચ્છેદની સજા કરવામાં આવી ત્યારે એને બચાવવા માટે એક અક્ષર પણ બોલ્યા નહીં!  ટાવર ઑફ ઇંગ્લૅન્ડના છેક ઉપરના માળે ફ્રાંસથી આવેલા એક ગિલોટીનના એક્સપર્ટ દ્વારા મારો શિરચ્છેદ થશે એવી જાહેરાત કરવામાં આવી. ઇંગ્લૅન્ડના લોકો આમેય મને ધિક્કારતા હતા. 

19 મે, 1536 દિવસે ટાવર ઑફ ઇંગ્લૅન્ડની આસપાસ હજારો લોકો ભેગા થયા હતા. ફ્રાંસના કુશળ તલવારબાજને કડક સૂચના હતી કે એક જ ઝટકે મારું માથું ધડથી અલગ થઈ જવું જોઈએ જેથી મને ઓછી પીડા થાય! રાજા સામે ગોઠવાયા. એમણે એમના લાલ રૂમાલથી સંમતિ દર્શાવી... ને એક જ ઝટકે મારું માથું કપાઈ ગયું ત્યારે હું 35 વર્ષની હતી. માથું કાપતાં પહેલાં મને પૂછવામાં આવ્યું કે ‘તમારે કંઈ કહેવું છે.’ ત્યારે મેં કહ્યું હતું, ‘હું રાજા વિરુદ્ધ કંઈ કહેવા નથી માગતી. તેઓ મારા માટે સારા સ્વામી રહ્યા છે.’ મેં આવું કહ્યું, કારણ કે મારી દીકરી એલિઝાબેથનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. 

જોકે એનો ઉછેર મેરીએ કર્યો. એલિઝાબેથ સાથે હેન્રીનો વ્યવહાર ક્યારેય કઠોર તો ક્યારેક સ્નેહભર્યો રહ્યો. એણે પોતાની દીકરીને ઉત્તમ શિક્ષણ અપાવ્યું, કારણ કે એને સમજાયું કે મારી દીકરી અસાધારણ બુદ્ધિશાળી છે, મારી જેમ જ! થર્ડ સક્સેશન ઍક્ટ દ્વારા રાજગાદીના વારસદાર તરીકે એમણે એલિઝાબેથને સ્વીકારી. હેન્રીનું મૃત્યુ 1547માં થયું ત્યારે એલિઝાબેથ 13 વર્ષની હતી. 

એડવર્ડ 6ઠ્ઠો, (1547-53) જે જેઈન સેમોરનો દીકરો હતો, એનો રાજ્યાભિષેક કર્યો, પરંતુ એ જીવી શક્યો નહીં. એ પછી મેરી (1553-58)માં ગુજરી ગઈ. એ પછી એલિઝાબેથ ગાદીએ આવી... આજે વેસ્ટમિનિસ્ટર એબેમાં એલિઝાબેથનો રાજ્યાભિષેક છે. હું જાણું છું કે એ એના યુગની શ્રેષ્ઠ રાણી બનશે. મારી દીકરીએ લગ્ ન નથી કયાર્ં, કારણ કે એણે એક જાહેર નિવેદનમાં કહ્યું હતું, ‘મારાં લગ્ન થઈ ચૂક્યાં છે. ઇંગ્લૅન્ડના સિંહાસન સાથે.’   (સમાપ્ત)