Sun Mar 08 2026

Logo

કાશીમીરામાં નવા વર્ષની પાર્ટીમાં યુવકની હત્યા: ફરાર આરોપી નાયગાંવથી પકડાયો...

1 week ago
Author: Yogesh D. Patel
Article Image

થાણે: કાશીમીરા વિસ્તારમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન યુવકની હત્યાના કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે નાયગાંવથી ઝડપી પાડ્યો હતો. કાશીમીરામાં 1 જાન્યુઆરી, 2025ની વહેલી સવારે આ ઘટના બની હતી. એક મિત્રના ઘરે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી રાજા પરિયાર અને તેના મિત્રો ત્યાં એકઠા થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં સાઉન્ડ સિસ્ટમ પર વાગી રહેલા સંગીત પર તેઓ નાચી રહ્યા હતા ત્યારે ગીત વગાડવાને મુદ્દે તેમાંથી એક જણનો ત્યાંના સ્થાનિક રહેવાસી સાથે વિવાદ થયો હતો. 

રહેવાસીએ બાદમાં તેના સાથીદારોને કૉલ કરીને બોલાવ્યા હતા, જેમણે રાજા પરિયાર અને તેના મિત્રો પર લાઠી અને અન્ય વસ્તુથી હુમલો કર્યો હતો.હુમલામાં રાજા પરિયારનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું, જ્યારે તેના બે મિત્રો પણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે કાશીમીરા પોલીસે પાંચ ફરાર આરોપી વિરુદ્ધ હત્યા અને અન્ય આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.દરમિયાન ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે 19 ફેબ્રુઆરીએ વસઇના નાયગાંવ સ્થિત વાકીપાડા વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની ઓળખ આદેશ ઉર્ફે છલા પ્રકાશ જાધવ તરીકે થઇ હતી. પોલીસ હવે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)