Fri Sep 04 2026

Logo

કર્ણાટકમાં એલીફન્ટ પાર્કમાં હાથીની લડાઈમાં ટુરિસ્ટ મહિલાનો ખો, બે બાળકો માંડ માંડ બચ્યાં

2026-05-19 10:45:00
Author: Devayat Khatana
કર્ણાટકમાં એલીફન્ટ પાર્કમાં હાથીની લડાઈમાં ટુરિસ્ટ મહિલાનો ખો, બે બાળકો માંડ માંડ બચ્યાં

બેંગલુરુ: કર્ણાટકના પ્રખ્યાત 'દુબારે એલિફન્ટ કેમ્પ'માં એક રૂંવાડા ઊભા કરી નાખે તેવી  ઘટના બહાર આવી છે, જ્યાં હાથીઓની પરસ્પર લડાઈ અને મસ્તી એક મહિલા પ્રવાસી માટે કાળ સાબિત થઈ છે. સામાન્ય રીતે હાથીઓ જ્યારે પોતાના જ નશામાં મસ્ત હોય છે અથવા પાણીમાં ન્હાવાની મજા માણતા હોય છે, ત્યારે તેમને આસપાસના લોકોનું ભાન રહેતું નથી. આવું જ કંઈક અહીં કાવેરી નદીના કિનારે બન્યું, જ્યાં હાથીઓની મસ્તી પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ અને એક પરિવારે પોતાની સ્વજન ગુમાવવી પડી.

આ ગંભીર અકસ્માત બે હાથીઓ વચ્ચેની અચાનક શરૂ થયેલી લડાઈનું પરિણામ હતો. કેમ્પમાં હાથીઓ નદીના પાણીમાં ન્હાઈ રહ્યા હતા અને મસ્તી કરી રહ્યા હતા, તે દરમિયાન 'કંજન' નામના એક હાથીએ બીજા હાથી પર અચાનક હુમલો કરી દીધો હતો. આ લડાઈમાં બંને શક્તિશાળી હાથીઓએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને નદી કિનારે ઉભેલી એક મહિલા પ્રવાસી પર જઈને ખાબક્યા હતા. આટલા ભારેખમ હાથીઓ માથે પડતાં જ મહિલા ગંભીર રીતે કચડાઈ ગઈ હતી.

આ સમગ્ર દુર્ઘટના સમયે મહિલાનો પતિ અને તેનું નાનું બાળક પણ ત્યાં હાજર હતા. ઘટના બાદ સામે આવેલા એક હૃદયદ્રાવક વીડિયોમાં જોઈ શકાય છે કે, પતિ પોતાના માસૂમ બાળકને કેડમાં તેડીને નદીના પાણીમાંથી પત્નીના મૃતદેહને બહાર ખેંચી રહ્યો છે. જો કે, હાથીઓ નીચે કચડાવાના કારણે મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પરિવાર સાથે રજાઓ માણવા આવેલી મહિલાના આવા કરુણ અંતથી સ્થાનિકો અને અન્ય પ્રવાસીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.