Tue Oct 06 2026

Logo

કર્ણાટકમાં વિભાગોના ફાળવણી બાદ વિવાદ વકર્યો, મંત્રી રામલિંગા રેડ્ડીએ રાજીનામાની ચીમકી આપી

2026-06-05 16:54:55
Author: Chandrakant Kanoja
કર્ણાટકમાં વિભાગોના ફાળવણી બાદ વિવાદ વકર્યો, મંત્રી રામલિંગા રેડ્ડીએ રાજીનામાની ચીમકી આપી

બેંગલુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાતાની સાથે જ આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો છે. જેમાં નવા મંત્રીઓના વિભાગોની ફાળવણી બાદ વિવાદ વકર્યો છે. કોંગ્રેસના સિનીયર નેતા અને મંત્રી રામલિંગા રેડ્ડીએ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેના થોડા સમય બાદ સીએમ ડીકે શિવકુમારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ મુદ્દાનો ઝડપથી ઉકેલ આવશે. 

યોગ્ય વિભાગ ન મળતા રાજુનામું  આપવાની જાહેરાત 

આ અંગે  રાજીનામાની જાહેરાત કરતા, રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમણે બેંગલુરુ વિકાસ વિભાગ માંગ્યો હતો પરંતુ તેના બદલે તેમને મુખ્ય અને મધ્યમ સિંચાઈ વિભાગ સોંપવામાં આવ્યો હતો. આ ફાળવણીથી નારાજ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ રાજીનામું આપવાની જાહેરાત કરતા રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમને અપમાનિત કરવામાં આવ્યા છે અને તેઓ તેમના અંતરાત્મા વિરુદ્ધ કામ નથી કરી શકે. 

મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું 

જોકે, આ વિવાદ બાદ ડેમેજ કંટ્રોલ કરતા  મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે રામલિંગા રેડ્ડી તેમના લાંબા સમયથી સહયોગી અને નજીકના મિત્ર છે. તેમણે કહ્યું, ચિંતાનું કોઈ કારણ નથી. અમે મંત્રીમંડળના સૌથી નજીકના મિત્રોમાંના એક છીએ. અમે આ મુદ્દાનો ઉકેલ શોધીશું. શિવકુમારે ઉલ્લેખ કર્યો હતો કે રેડ્ડીએ તેમને અલગ પોર્ટફોલિયો માંગ્યો હતો અને તેઓ આ બાબતે ચર્ચા કરશે.

રામલિંગા રેડ્ડીએ  સ્પષ્ટ કર્યું છે કે તે કોંગ્રેસ પક્ષ નહિ છોડે

જોકે, રામલિંગા રેડ્ડીએ  સ્પષ્ટ કર્યું છે કે તે કોંગ્રેસ પક્ષ નહિ છોડે. તેમણે કહ્યું હું કોંગ્રેસમાં જ રહીશ. મે પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું. હું છેલ્લા 53 વર્ષથી કોંગ્રેસમાં છું અને પાર્ટીમાં અનેક જવાબદારીઓ નિભાવી રહ્યો છું. તેમણે ક્યારેય મંત્રી બનવા માટે લોબિંગ નથી કર્યું અને હું પહેલા પણ અનેક કોંગ્રેસ સરકારોમાં મંત્રી રહી ચૂકયો છું.