પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર કારગિલ યુદ્ધ ચર્ચાનો વિષય બન્યું છે. જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને એક જનસભા દરમિયાન આવું નિવેદન આપ્યું,જેણે ત્યાંની સેના અને રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પોતાના સંબોધનમાં તેમણે કારગિલ સંઘર્ષ દરમ્યાન મોતને ભેટેલા પાકિસ્તાની સૈનિકો અને તેમના લાશોને લઇને સેનાની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. આ નિવેદન એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આ તે મુદ્દાને ફરી સામે લાવે છે જેની પર ભારત અને પાકિસ્તાન વર્ષોથી જુદા જુદા દાવા કરે છે.
મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે કારગિલ સંઘર્ષ દરમ્યાન પાકિસ્તાને પોતાના ઘણાં સૈનિકોની લાશોનો સ્વીકાર નહોતો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાની સેનાએ તેના કેટલા જવાન માર્યા ગયા અને કેટલી લાશો પરત લીધી તે વિશે પણ કંઇ નહોતું જણાવ્યું. તેમણે તેમના ભાષણમાં કહ્યું કે પાકિસ્તાને પોતાના શહીદોની સાથે ન્યાય નથી કર્યો અને તેમની લાશો ભારતના કબજાવાળા વિસ્તારમા જ છોડી દીધા. મૌલાનાએ એ પણ કહ્યું કે બાદમાં ભારત તરફથી દાવો કરવામાં આવ્યો કે તે સૈનિકોને ઇસ્લામી રીતિ-રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
કેપ્ટન કર્નલ શેર ખાનનો પણ ઉલ્લેખ કર્યો
પોતાના સંબોધન દરમિયાન મૌલાનાએ કેપ્ટન કર્નલ શેર ખાનનું નામ લેતા કહ્યું કે તેમનો મૃતદેહ પણ ભારે દબાણ બાદ પાકિસ્તાને સ્વીકાર્યો હતો. તેમણે દાવો કર્યો કે કારગિલમાં મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યા સત્તાવાર આંકડાઓ કરતાં ઘણી વધારે હતી અને આ આખા મામલામાં સેનાએ પારદર્શિતા બતાવી નહોતી.
સેના પર રાજકારણ અને જવાબદારીથી બચવાનો આરોપ
ફઝલુર રહેમાને પોતાના ભાષણમાં પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સેનાએ પોતાના નિર્ણયોની જવાબદારી લેવાને બદલે શહીદોના નામનો ઉપયોગ રાજકીય ઢાલ તરીકે કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે સૈન્ય નેતૃત્વ પોતાના જૂના નિર્ણયો અને કથિત ભૂલો પર જવાબ આપવાથી બચતું રહ્યું છે.
કારગિલ યુદ્ધને લઈને ભારતનો શું દાવો છે?
ભારતનું લાંબા સમયથી કહેવું છે કે 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન ઘણા પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ સ્વીકારવાનો પાકિસ્તાને ઇનકાર કરી દીધો હતો. ભારતીય સેનાનો દાવો રહ્યો છે કે જે મૃતદેહોને પાકિસ્તાને સ્વીકાર્યા નહોતા, તેમનો અંતિમ સંસ્કાર ઇસ્લામિક પરંપરાઓ અનુસાર પૂર્ણ સન્માન સાથે કરવામાં આવ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાન તે સમયે સત્તાવાર રીતે એવું કહેતું રહ્યું કે કારગિલમાં લડનારા લોકો નિયમિત સૈનિકો નહીં પરંતુ કાશ્મીરી લડાકુઓ હતા. આ જ કારણ રહ્યું કે આ મુદ્દાને લઈને બંને દેશોના અલગ-અલગ દાવાઓ સામે આવતા રહ્યા છે.
નિવેદન બાદ ફરી ગરમાઈ ચર્ચા
મૌલાના ફઝલુર રહેમાનના તાજેતરના નિવેદન બાદ પાકિસ્તાનમાં ફરી એકવાર કારગિલ યુદ્ધ અને સેનાની ભૂમિકાને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવા નિવેદનો તે સમયના સત્તાવાર ઘટનાક્રમ અને સૈન્ય નિર્ણયો પર નવા સવાલો ઊભા કરે છે. જોકે, મૌલાનાના આરોપો પર પાકિસ્તાની સેના તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. એવામાં આ મામલો હવે રાજકીય અને સાર્વજનિક ચર્ચાનો હિસ્સો બની ગયો છે.