Sat Sep 05 2026

Logo

એકસમયે જ્યાં મુનશીએ ગજવ્યું હતું સાહિત્ય અધિવેશન, ત્યાં આજે માતૃભાષા બચાવવા શરૂ થઈ ‘તહરીક’

2026-02-21 09:32:00
Author: Devayat Khatana
એકસમયે જ્યાં મુનશીએ ગજવ્યું હતું સાહિત્ય અધિવેશન, ત્યાં આજે માતૃભાષા બચાવવા શરૂ થઈ ‘તહરીક’

અમદાવાદ/કરાંચી: 21 મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. માતૃભાષાના સન્માન અને સંવર્ધનને સમર્પિત આ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં થાય છે. આઝાદી પછી એક દાયકા બાદ ગુજરાતી ભાષીઓ માટેનું ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું. આજે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં શિક્ષણ, વ્યવહાર, પ્રત્યાયન બધુ જ થાય છે. ત્યારે ગુજરાતના સીમાડાથી ઘણા ઓછા અંતરે આવેલું એક સમયનું ગુજરાતી શહેર અને આજે પરદેશી બની ગયેલું કરાંચી પોતાની માતૃભાષાના અસ્તિત્વ માટે ઝંખી રહ્યું છે. હા, પાકિસ્તાનના આર્થિક પાટનગર એવા કરાંચીની એકસમયની ભાષા ગુજરાતી હતી, પણ આઝાદી બાદ ત્યાંની તસવીર બદલાઈ ગઈ અને આજે માતૃભાષાના સંવર્ધન, પ્રચાર, પ્રસાર માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. 


આપણે કાન જ્યારે જ્યારે કરાંચીનું નામ પડે, ત્યારે સામાન્ય રીતે આપના મન અને મસ્તિષ્કમાં જે ચિત્ર ઉપસી આવે તે છે પાકિસ્તાન, ઈસ્લામ અને ઉર્દુ-સિંધી જેવી ભાષાનું પ્રભુત્વ. પણ એક સમય હતો કે જ્યારે આ કરાંચી એ ગુજરાતી સોડમથી મહેકતું હતું.  આઝાદી પૂર્વેનો એ સમય હતો કે જ્યારે ગુજરાતી શહેરોની જેમ જ કરાંચીમાં પણ શેરીઓ, માર્કેટ,  વ્યાયામ શાળા, ઓફિસ, દુકાનો, મકાનો, મસ્જિદો સહિતના નામ ગુજરાતીમાં લખવામાં આવતા હતા.  વર્ષ 1937માં કનૈયાલાલ મુનશીના અધ્યક્ષ સ્થાને કરાચીમાં ગુજરાતીનું સાહિત્ય અધિવેશન યોજવામાં આવ્યું હતું.

આઝાદી બાદનો સમય પાકિસ્તાનમાં ગુજરાતી માટે અનેક મુશ્કેલીઓનો રહ્યો  અને અંતે તો સરકારે ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવામાંથી પણ હાથ ધોઈ નાખ્યા. આમ એક સમએ કરાંચીમાં જેનો દબદબો હતો તે ગુજરાતી ભાષા આજે એક વર્ગ પૂરતી સીમિત બનીને રહી ગઈ. લુપ્ત થઈ રહેલી ગુજરાતીને બચાવવા માટે કરાંચીમાં એક ઝુંબેશ શરૂ થઈ, જેને નામ અપાયું  "ગુજરાતી બચાવો તહરીક, પાકિસ્તાન". 

ગુજરાતી બચાવો તહરીકે પાકિસ્તાનમાં નવી પેઢીને માત્ર ગુજરાતી ભાષાના અભ્યાસ પૂરતું સીમિત ન રાખતા ગુજરાતી સંસ્કૃતિને પણ અપનાવવા હાકલ કરી હતી. ગુજરાતી બચાવો તહરીકે નવી પેઢી ગુજરાતી ભાષા બોલતી થાય,સમજતી થાય અને ઉપયોગ કરતી થાય તે માટે ફ્રી ક્લાસ શરૂ કર્યા. અહી અનેક મૂળ ગુજરાતી હિન્દુ અને મુસલમાનોએ ભાષા શિખવાના પ્રયત્નો કર્યા. ગુજરાતી માટે કામ કરતી ગુજરાતી બચાવો તહરીકે ગુજરાતી સમુદાય પાસેથી ગુજરાતી પુસ્તકો માંગ્યા હતા કે જેથી પાકિસ્તાનમાં રહેલા ગુજરાતીઓને ગુજરાતી વાંચન પૂરું પાડી શકાય.