Mon Oct 05 2026

Logo

કાનપુરમાં આરોગ્ય વિભાગે પૂરપીડિત બાળકોને આપી એક્સપાયર્ડ સિરપ! તબિયત લથડતા થયો ખુલાસો

2026-09-09 12:09:00
Author: Vimal Prajapati
કાનપુરમાં આરોગ્ય વિભાગે પૂરપીડિત બાળકોને આપી એક્સપાયર્ડ સિરપ! તબિયત લથડતા થયો ખુલાસો

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પાંડુ નદીના ઉભરાતા પાણીને કારણે માયાપુરમ વિસ્તારના લોકો પહેલાથી જ પૂરની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે, તેવામાં રાહતની આશા રાખીને બેઠેલા પૂરપીડિતોને સરકારી આરોગ્ય તંત્રની બેદરકારીનો મોટો ઝટકો લાગ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં વહેંચવામાં આવેલી દવાઓમાં કથિત રીતે એક્સપાયર થઈ ગયેલ સિરપ આપી દેવાતાં અનેક બાળકોની તબિયત લથડી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.

જુલાઈ 2026માં એક્સપાયર થયેલ સિરપ આપવામાં આવ્યું

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, સોમવારે બપોરે સ્વાસ્થ્ય વિભાગની ટીમે માયાપુરમ વિસ્તારમાં પૂરથી પ્રભાવિત આશરે 20 પરિવારોને રોગચાળાથી બચાવવા માટે દવાઓ આપી હતી. આ દવાઓમાં આપેલ એક સિરપ કથિત રીતે જુલાઈ 2026માં જ એક્સપાયર થઈ ગયેલ હતી.  આ દવા પીધા બાદ જ અહીંના કેટલાક બાળકોની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ખાનગી તબીબોની તાત્કાલિક સારવાર બાદ તમામ બાળકોની સ્થિતિમાં સુધારો થયો હતો.

તંત્રની દવાઓ ફેંકી દીધી, નવી દવાઓ લેવાનો ઇનકાર

એક સાથે અનેક માસૂમ બાળકોની તબિયત લથડતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને આક્રોશ વ્યાપી ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ આ કથિત એક્સપાયર્ડ સિરપ સહિતની અન્ય દવાઓ ફેંકી દીધી હતી. મંગળવારે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ ફરીથી દવાઓ લઈને માયાપુરમ પહોંચી, ત્યારે પૂરપીડિતોએ દવાઓ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. લોકોનું કહેવું હતું કે જ્યારે રાહતના નામે જોખમી દવાઓ અપાતી હોય તો તેઓ પોતાના બાળકોના જીવ જોખમમાં મૂકી શકે નહીં.

આરોગ્ય વિભાગે રૂપિયા આપી મામલો રફે-દફે કરવાનો પ્રયાસ કર્યો

ઘટના બાદ સ્થાનિકે જણાવ્યું કે, જ્યારે તેમણે આરોગ્ય ટીમ સમક્ષ વિરોધ નોંધાવ્યો ત્યારે ટીમે કથિત રીતે ભૂલથી આ સિરપ અપાઈ ગયું હોવાનું સ્વીકાર્યું હતું. એટલું જ નહીં, ટીમે બાળકની સારવારના ખર્ચ પેટે 100 રૂપિયા આપવાની વાત કરી હતી. આરોગ્ય વિભાગે પોતાની બેદરકારી છુપાવવા માટે રૂપિયા આપવાની વાત કરી હતી, જેના કારણે લોકો વધારે રોષે ભરાયા હતાં. લોકોએ રૂપિયા કે દવા કંઈ પણ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. 

લોકોનું કહેવું છે કે, આ દવાના કારણે કોઈનો જીવ ગયો હતો તો જવાબદારી કોણ હોત? આ અંગે કાનપુરના મુખ્ય તબીબી અધિકારીએ કહ્યું કે, આ ગંભીર બાબત તેમના ધ્યાને આવી છે અને તેની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ જ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ લોકોનું કહેવું છે, તંત્ર દ્વારા માત્ર તપાસના વાયદા કરવામાં આવે છે. એટલે અત્યારે અહીંના લોકોએ આરોગ્ય તંત્ર સામે સત્વરે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.