ચેન્નઈ: તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ચોંકાવનારો બીજો મોટો નિર્ણય લીધો છે. ભાજપ સાથેનો 6 વર્ષ જૂનો સંબંધ તોડ્યાના ગણતરીના કલાકોમાં જ અન્નામલાઈએ ચેન્નઈમાં એક પત્રકાર પરિષદ યોજીને પોતાના ભવિષ્યના પ્લાન જાહેર કર્યા છે. તેમણે તમિલનાડુમાં એક નવી રાજકીય પાર્ટી અને મોટા પોલિટિકલ મૂવમેન્ટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અન્નામલાઈનું ભાજપમાંથી જૂદા થવું પક્ષને ભારે પડી શકે છે.
અન્નામલાઈએ જણાવ્યું કે, ‘મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આજથી મારા જીવનના એક નવા સફરની શરૂઆત થઈ રહી છે. હું રાજ્યમાં એક સંપૂર્ણપણે નવા રાજકીય આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યો છું, જેમાં મને તમિલનાડુની જનતા અને યુવાનોના સાથની અપેક્ષા છે’. કે. અન્નામલાઈ હવે નવા રાજકીય પાર્ટી શરૂ કરવાના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે, તેઓ પાર્ટીઓમાં ચાલતા પરિવારવાદને દૂર કરવા માંગે છે.
પરિવારવાદ ખતમ કરવા લાવશે 'ટર્મ લિમિટ'
પોતાની નવી રાજકીય વિચારધારા સ્પષ્ટ કરતા પૂર્વ આઈપીએસ અધિકારી અન્નામલાઈએ જણાવ્યું કે તેઓ દક્ષિણ ભારતમાં એકદમ સ્વચ્છ અને પારદર્શક રાજનીતિની સ્થાપના કરવા માંગે છે. કહ્યું કે, જ્યારે અમારો નવો પક્ષ સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે, ત્યારે અમે નેતાઓ માટે 'ટર્મ લિમિટ' નો કાયદો લાવીશું. આ નિયમ લાગુ થવાથી કોઈ એક જ વ્યક્તિ કે પરિવાર લાંબા સમય સુધી સત્તા પર કબજો નહીં જમાવી શકે અને તમિલનાડુની રાજનીતિમાંથી પરિવારવાદનો કાયમી અંકુશ આવશે.
An Important Announcement https://t.co/IcEnfaZGRK
— K.Annamalai (@annamalai_k) June 5, 2026
ભાજપે શુક્રવારે જ સ્વીકાર્યું હતું રાજીનામું
ઉલ્લેખનીય છે કે, આજે સવારે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું હતું. અન્નામલાઈએ તાજેતરમાં જ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નીતિન નવીન સાથે બંધ બારણે બેઠક કરી હતી. ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમને રાજીનામાના નિર્ણય પર પુનઃવિચાર કરવા માટે ખૂબ સમજાવ્યા હતા, પરંતુ અન્નામલાઈ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. કૃષ્ણગિરીના પૂર્વ આઈપીએસ અધિકારી અને પોતાના સમર્થકોમાં 'સિંઘમ' ના નામથી મશહૂર કે. અન્નામલાઈએ વર્ષ 2019માં પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને 2020માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. હવે તેમણે ભાજપનો સાથ પણ છોડી દીધો છે.