Sun Jul 26 2026

Logo

જૂનમાં ઑટોમોબાઈલના રિટેલ વેચાણમાં 21.83 ટકાની વૃદ્ધિ

2026-07-06 20:14:57
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત જૂન મહિનામાં દેશમાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ જૂન, 2025નાં 20,98,996 યુનિટ સામે 21.83 ટકાની વૃદ્ધિ સાથે 25,57,234 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ એક આંકડાકીય માહિતીમાં જણાવતાં ઉમેર્યું હતું કે ઉદ્યોગ સાવચેતીપૂર્વક આશાવાદ રાખી રહ્યો છે કે વરસાદની ખાધ સરભર થશે. 

એસોસિયેશનની માહિતી અનુસાર ગત જૂન મહિનામાં પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 28.63 ટકા વધીને 4,10,853 યુનિટ (3,19,412 યુનિટ)ની સપાટીએ, દ્વિચક્રી વાહનોનું વેચાણ 21.22 ટકા વધીને 18,28,458 યુનિટ (15,08,378 યુનિટ), ત્રિચક્રી વાહનોનું વેચાણ 16.2 ટકા વધીને 1,20,889 યુનિટ (1,04,035 યુનિટ) અને વેપારી વાહનોનું વેચાણ 16.88 ટકા વધીને 90,972 યુનિટ (77,836 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું. 

એકંદરે જૂન મહિનાની કામગીરી અંગે ફાડાના પ્રમુખ સી એસ વિઘ્નેશ્વરે જણાવ્યું હતું કે ભારતીય ઑટો રિટેલ ક્ષેત્ર માટે જૂન મહિનાની કામગીરી સીમાચિહ્નરૂપ રહી છે કેમ કે ઑટોમોબાઈલની તમામ શ્રેણીઓમાં અત્યાર સુધીનું જૂન મહિનાનું સર્વશ્રેષ્ઠ વેચાણ નોંધાયું છે, જ્યારે વર્તમાન મહિનાના ટૂંકા સમયગાળાના આઉટલૂક અંગે તેમણે ઉમેર્યું હતું કે અમારા સર્વેક્ષણ અનુસાર 51.24 ટકા ડીલરો વેચાણ વૃદ્ધિ અંગે આશાવાદી છે, 41.79 ટકા ડીલરો વેચાણમાં સ્થિરતા જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે 6.97 ટકા ડીલરો વેચાણમાં ઘટાડો થવાની શક્યતા જોઈ રહ્યા છે. 

વધુમાં એસોસિયેશને ચોમાસાની પ્રગતિ સાથે વરસાદની ઘટ સરભર થશે અને ખરીફ વાવેતર વેગ પકડશે અને પશ્ચિમ એશિયામાં વિવાદ શાંત પડતાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડા સાથે વેપારો થાળે પડવાનો આશાવાદ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે એકંદરે જુલાઈ મહિનામાં ચોમાસાની પકડ અને તહેવારોની મોસમ પહેલા ગ્રામીણ ક્ષેત્રમાં રોકડ પ્રવાહ કેવો રહે છે તેનાં પર વેચાણનો આધાર રહેશે. જોકે, જુલાઈ મહિનાનો આરંભ પેસેન્જર વાહનોના નોંધપાત્ર બુકિંગ સાથે થયો છે, જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) અને સીએનજી વાહનો તથા નવાં મૉડૅલોમાં બુકિંગ સારા છે, જ્યારે વેપારી વાહનોમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે. 

વધુમાં ચોમાસાની પ્રગતિ સાથે ગ્રામીણ સ્તરે રોકડ પ્રવાહ વધતાં દ્વિચક્રી વાહનોની ખરીદીમાં સુધારો જોવા મળશે તેમ જ ઈવી તરફ ઝુકાવ અને ઈંધણ અસરકારક મૉડૅલની માગનો ટેકો પણ મળશે. જોકે, તાજેતરમાં ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરો (ઓઈએમ) દ્વારા કરવામાં આવેલા ભાવવધારાને ધ્યાનમાં લેતા અમુક ખરીદદારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે તેવી શક્યતા એસોસિયેશને વ્યક્ત કરી હતી.