જૂઈ પાર્થ
ભર ચોમાસું ને વરસાદનાં દિવસો સતત બે દિવસ સુધી વરસાદ ના રોકાયો ભાવનાબહેને ચિંટુને સવાર સવારમાં બૂમ પાડી : ‘અલ્યા ચિંટુ, વરસાદના લીધે આજે સ્કૂલમાં રજા છે. કહે છે બધે પાણી બહુ ભરાયાં છે. એટલે તારે સ્કૂલે નથી જવાનું, પણ સોસાયટીના નાકે જઈને પહેલા શાક લઈ આવ તો, રખેને વરસાદમાં પાછા શાકભાજી ના મળે તો?’
ચિંટુ કમે વહેલો ઊઠીને ગયો શાક લેવા. સ્કૂલમાં રજા, ઊંઘવાની મજાની જગ્યાએ વરસાદમાં પલળીને શાક લેવા જવાની સજા થઈ ગઈ. આખાય શહેરમાં પાણી ભરાયાં, વાહનવ્યવહાર ખોરવાયો, ઠેર ઠેર લોકો અટવાયા, કોઈ ગાડીમાં, કોઈ ઓફિસમાં, કોઈ પર્યટન સ્થળે. જનજીવન ઠપ થયું, કેટલાય કલાકો માટે... પાણી ભરાવાનાં કારણે સરકારે બે દિવસની આકસ્મિક રજા જાહેર કરી. આ રજા આકસ્મિક એટલે કેમકે એની નોંધણી/જાહેરાત કેલેન્ડરમાં પહેલેથી ના થઈ હોય અને સંજોગોવશાત નિર્ણય લેવાયો હોય. આકસ્મિક રજા વિવિધ કારણોસર મળે. જેમકે કોઈ મોટા નેતાનું નિધન, રાષ્ટ્રીય શોક, કુદરતી આફત, કોમી રમખાણો, મહામારી કે અન્ય રાજકીય કારણ.
રજાનું નામ પડતાં જ બાળકો મોજમાં અને એય પાછી અણધારી મળેલી! બાળકો નિર્દોષ એમ જ નથી કહેવાતાં. એમને રજાનાં કારણમાં રસ નથી હોતો. એમને તો બસ, અચાનક વધારાનો એક દિવસ સ્કૂલે જવામાંથી કે ભણવામાંથી મુક્તિ મળે છે એની મજા છે. જે એકધારું જીવન ચાલતું હોય એમાં મનગમતો ફેરફાર આવે છે એની ખુશી છે.
અચાનકની જે થ્રીલ છે, એની મોજ છે. આવી રજાનો દિવસ એટલે એમના માટે ઘેર બેઠા વન- ડે પિકનિક. મોડા ઊઠવાનું, સોસાયટીના ભાઈબંધ - બહેનપણીઓ સાથે રમવા જતા રહેવાનું, આખો દિવસ ટીવી જોવાનું, મન થાય ત્યારે જમવાનું ટૂંકમાં રોજિંદા જીવન કરતાં થોડો અલગ દિવસ, મનમરજીનો દિવસ એટલે આકસ્મિક રજા!
આ તો થઈ બાળકોની વાત, પણ શું પુરુષો માટે પણ આકસ્મિક રજા એટલી જ રસપ્રદ અને યાદગાર બને એવી હોય?
કદાચ ના પણ હોય એમનાં માટે આકસ્મિક રજા ધાર્યા કરતાં તદ્દન જુદી પણ હોઈ શકે. એમનાં માટે આકસ્મિક રજા એટલે સમયનાં અભાવે અધૂરા રહેલાં કામ પૂરાં કરવાનો દિવસ, વહેવારે ક્યાંક મોઢું બતાવી આવવાનો દિવસ, ઘર ગોઠવીને વ્યવસ્થિત કરવાનો દિવસ, પત્ની કે માતાને માળિયા સાફ કરાવવાનો દિવસ, ઘરકામમાં મદદ કરવાનો દિવસ, બાળકો સાથે ગેમ રમવાનો દિવસ, નિરાંતે બાંકડે બેસવાનો દિવસ, મિત્રો સાથે ગપ્પાં મારવાનો દિવસ, બે ટાઈમની ચા વધારે પીવાનો દિવસ...
સ્ત્રીઓ માટે આમ તો બારે મહિના સાતે દિવસ સરખા જ હોય પણ આકસ્મિક રજા? સ્ત્રીઓ માટે કદાચ એના પરિવારથી વિશેષ કંઇ જ નથી હોતું. એ દિવસે એનું કામ વધી જાય છે પણ પોતાના પરિવાર સાથે અચાનક થોડો વધુ સમય વિતાવવા મળી જાય છે એ વાતનો આનંદ પણ હોય છે. હરખાતી સ્ત્રી પરિવારના દરેક સભ્યને વધુ ખુશ
રાખવાનો પ્રયત્ન કરે છે અને સાથે નાનાં મોટાં કામમાં પતિ કે બાળકોની મદદ પણ લે છે, પણ છેવટે મનમાં તો એક જ ભાવ કે મારું કુટુંબ મારી સાથે છે એ પછી કોઈ પણ કામમાં કે નવરાશની પળોમાં કેમ ના હોય!
કેટલાક એવા લોકો પણ હોય છે જેમને આવી આકસ્મિક રજાનો સદુપયોગ કરતા સરસ આવડે છે, જેમકે તે સવારથી રાત સુધીનું સમયપત્રક બનાવીને એ મુજબ ચાલે છે. કેટલાક લોકો આવી રજાને સાવ હળવાશથી લઈ રવિવારની જેમ જ દિવસ પસાર કરે છે તો કેટલાક બહાર હરવા ફરવા જવાનાં કાર્યક્રમો ગોઠવી દે છે. એક જ ઘરેડમાં જકડાઈ ગયેલો માણસ રજાનાં દિવસે પોતાનાં સ્વભાવ અને જરૂરિયાત મુજબ દિવસનું આયોજન કરે છે.
કોઈવાર એવું લાગે છે કે આકસ્મિક રજાનાં કારણ પ્રત્યે આપણે બધા જ થોડાક અસંવેદનશીલ થઈ જતા હોઈએ છીએ અને માટે જ આવી રજાઓ તરફ દરેકનો અભિગમ પણ અલગ હોય છે. કોઈ પણ ગમતી વસ્તુ અણધારી રીતે આવી મળે તો આનંદ તો થાય જ ને, એ પછી રજા હોય- ભેટ કે પછી કોઈ વ્યક્તિ. જોકે આપણે ભૂલી જતાં હોઈએ છીએ કે આકસ્મિક અનુભવો બધાના માટે એક સરખા નથી હોતા. એક બાજુ કોઈ રજાની મોજમાં હોય છે ત્યારે આ જ રજાને લીધે કોઈ હેરાન થતું હોય છે. દરેક વ્યક્તિ પોતાના સંજોગો, જવાબદારીઓ અને પરિસ્થિતિ મુજબ રજાનું મૂલ્યાંકન કરે છે તેમ જ ગમો-અણગમો વ્યક્ત કરે છે, પરંતુ જાહેર થયેલી રજાનો નિર્ણય પોતાની નિર્ણયાત્મકતાની હદની બહાર છે એ ખ્યાલ આવતા મનથી સ્વીકારાવો પડે છે.
તો આકસ્મિક રજા વિશે બોલો, તમે શું કહો છો?