Mon Oct 05 2026

Logo

જેપી નડ્ડાનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું તે અરાજકતા ફેલાવવામાં માંગે છે

2026-08-10 22:44:01
Author: Chandrakant Kanoja
જેપી નડ્ડાનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું તે અરાજકતા ફેલાવવામાં માંગે છે

નવી દિલ્હી: સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહેલા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા. જેની બાદ ભાજપ નેતા જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો .તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અરાજકતા ફેલાવવામાં માંગે છે.

રાહુલ ગાંધી સતત વલણ બદલી રહ્યા છે 

જેપી નડ્ડાએ  જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સંસદ અને દેશ બંનેમાં ચાલી રહેલા નિવેદનો અંગે સતત પોતાનું વલણ બદલી રહ્યા છે. તેમનો હેતુ  વાતચીત કરવાનો નહીં પરંતુ અરાજકતા ફેલાવવાનો છે. સત્રની શરૂઆતમાં તેમણે NEET પર ચર્ચાની માંગ કરી. જ્યારે અમે તેના પર સંમત થયા ત્યારે તેમણે રામ મંદિર ટ્રસ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે ગૃહમંત્રીને જંતર-મંતર ઘટના અંગે નિવેદન આપવાનો આગ્રહ કર્યો હતો. 

રાહુલ ગાંધીએ લોકો અને દેશને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યુ

રાહુલ ગાંધીનો  હેતુ ગૃહના કાર્યમાં અવરોધ ઉભો કરવાનો છે. તેમજ  છેલ્લા 15 દિવસથી કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. તેમજ જંતર-મંતર મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. આજે  જ્યારે જંતર-મંતર મુદ્દા પર ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે તેમણે લોકો અને દેશને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યુ છે. 

ગૃહમંત્રી દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર

જેપી નડ્ડાએ કહ્યું કે, ગૃહમંત્રી દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે. અમારું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. ગૃહને ચાલવા દો અને  જો ગૃહ કાર્યરત રહે છે તો અમે દરેક મુદ્દા પર જવાબ આપવા તૈયાર છીએ. જેમ આપણે હંમેશા કરતા આવ્યા છીએ. અમારો ટ્રેક રેકોર્ડ આ વાતનો સાક્ષી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું રાહુલ ગાંધીને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ચર્ચાથી ભાગી ન જાય. અમે ગૃહની અંદર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.

રાહુલ ગાંધીને ઝારખંડમાં વિદ્યાર્થીઓનો અવાજ સંભળાતો નથી

જેપી નડ્ડાએ કહ્યું,  તેમને ઝારખંડમાં વિદ્યાર્થીઓનો અવાજ સંભળાતો નથી. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના બેવડા ધોરણો - અરાજકતા ફેલાવવી, નકારાત્મક રાજકારણમાં જોડાવું અને બેજવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવવી છે. દેશના ભવિષ્ય અથવા તેની પ્રગતિ માટે કંઈ કરતા નથી. હું આની સખત નિંદા કરું છું.