Thu Aug 13 2026

Logo

ઝારખંડમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 43 લાખ મતદારોના નામ દૂર કરાયા

2026-08-05 21:48:19
Author: Chandrakant Kanoja
Article Image

રાંચી: ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણી પંચે બુધવારે ઝારખંડમાં SIR માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. જેમાં  43 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.

આ અંગે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે SIR પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદી અંગે વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઝારખંડમાં SIR પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં 2.64 કરોડ મતદારો હતા. જોકે, SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોની સંખ્યા 2.21 કરોડ થઈ  છે. 

SIR ના ગણતરી તબક્કામાં નોંધપાત્ર જનભાગીદારી

મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ 2,64,63,236 મતદારોમાંથી, 2,21,01,249 (83.51 ટકા) એ 29 જુલાઈ  2026 સુધીમાં તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા હતા. આ આંકડો SIR ના ગણતરી તબક્કામાં નોંધપાત્ર જનભાગીદારી દર્શાવે છે. SIR પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી  43,61,987  મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.

7.63 લાખ મતદારો મૃત્યુ પામ્યા હતા

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામમાં આશરે 7.63 લાખ મતદારો મૃત્યુ પામ્યા હતા. જ્યારે  15.92 લાખ વ્યક્તિઓ કાયમી ધોરણે સ્થળાંતરિત થયા હતા. તેમજ  14.50 લાખ લોકો શોધી શકાયા ન હતા અથવા પ્રક્રિયા દરમિયાન ઉપલબ્ધ ન હતા  અને 4.38 લાખ વ્યક્તિઓ અનેક સ્થળોએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.