Sun Aug 23 2026

Logo

દૂધના નામે 'સફેદ ઝેર'નો વેપલો! જેતપુરમાંથી 5400 લિટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું

2026-08-02 19:13:00
Author: Devayat Khatana
Article Image

જેતપુર: આજના જમાનામાં દરેક ચીજમાં ભેળસેળ થતી હોય છે, ત્યારે આપણી રોજની જરૂરિયાત એવી દૂધ પણ આ ભેળસેળના દૂષણથી દૂર નથી રહ્યું. રાજકોટ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે જેતપુરમાં એક સપાટો બોલાવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં 5400 લીટર ભેળસેળયુક્ત દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું. 

મળતી વિગતો અનુસાર, જેતપુરમાં રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી ગુપ્તી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે જૂનાગઢથી રાજકોટ તરફ એક દૂધનું ટેન્કર જઈ રહ્યું છે, જેમાં અંદાજે 5400 લીટર ભેળસેળયુક્ત દૂધ હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે LCB અને SOGની ટીમે ટેન્કરને રોકી તપાસ કરી હતી. 

પોલીસની તપાસ દરમિયાન ટેન્કર ચાલક ભરત લોહન નામના શખ્સને ઝડપી લેવાયો હતો. આ દરમિયાન ટેન્કરની તપાસ દરમિયાન તેમાંથી ભેળસેળયુક્ત દૂધનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી અને તેણે શંકાસ્પદ દૂધના સેમ્પલ લીધા હતા, જેના રિપોર્ટમાં આ દૂધ ભેળસેળયુક્ત અને માનવ ઉપયોગ માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જેતપુર નજીકના જ અમરેલી જિલ્લાના હનુમાન ખીજડીયા ગામમાં ભેળસેળયુક્ત દૂધના જથ્થાનો ખુલાસો થયો હતો. આ મુદ્દે રાજનીતિ ગરમાઈ હતી.  ત્યારે હવે રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલી કાર્યવાહીથી દૂધના માફિયાઓમાં ભારે ફફલાત વ્યાપી ગયો છે.