Sat Aug 15 2026

Logo

જેમિમા રૉડ્રિગ્સ પાકિસ્તાની ખેલાડીને ભેટી, ગપસપ કરી: ભારતીય ઑલરાઉન્ડર મીડિયામાં ટ્રોલ થઈ

Birmingham   2026-08-02 09:59:17
Author: Ajay Motiwala
Article Image

બર્મિંગમ: ગયા વર્ષે કાશ્મીરના પહલગામમાં થયેલા જીવલેણ આતંકવાદી હુમલાને ભારતની 140 કરોડની જનતા હજી ભૂલી નથી, પરંતુ ભારતીય મહિલા ખેલાડી જેમિમા રોડ્રિગ્સ વિદેશી ધરતી પર જઈને એ આઘાત ભૂલી ગઈ હોય એવું લાગે છે. તેણે પાકિસ્તાની પ્લેયર ફાતિમા સના સાથે માત્ર હાથ ન મિલાવ્યા, તેને ભેટી પણ હતી. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં જેમિમાની ખૂબ ટીકા થઈ હતી.

કઈ ટૂર્નામેન્ટમાં આ બન્યું?

ઇંગ્લૅન્ડમાં ‘ધ હન્ડ્રેડ’ નામની 100-100 બૉલની મૅચવાળી ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં એક મૅચમાં જેમિમા (Jemimah) પાકિસ્તાની ઑલરાઉન્ડર ફાતિમા સના (Sana)ને ભેટી અને તેની સાથે થોડી ગપસપ કરી એવો વીડિયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલાં આ મૅચ સધર્ન બ્રેવ અને બર્મિંગમ ફિનિક્સ નામની ટીમ વચ્ચે રમાઈ હતી.

2025ની સાલમાં પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુ પર્યટકોની હત્યા કરી એ ઘટના બાદ ભારતીય ક્રિકેટરોએ કોઈપણ મૅચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નથી મિલાવ્યા. જોકે અહીં જે મૅચની વાત થઈ રહી છે એ પૂરી થયા બાદ જેમિમા અને ફાતિમા સનાએ બંને ટીમની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા.

જેમિમાએ આ મૅચમાં સધર્ન બ્રેવ વતી 18 બૉલમાં 28 રન કર્યા હતા, જ્યારે બર્મિંગમની ટીમ વતી ફાતિમા સનાનો પર્ફોર્મન્સ સારો નહોતો. સધર્નની ટીમે 24 રનના માર્જિનથી આ મૅચ જીતી લીધી હતી. સધર્નની ટીમ આ વખતની ટૂર્નામેન્ટમાં ચારેય મૅચ જીતી છે, જ્યારે બર્મિંગમની ટીમે હજી જીતનું ખાતું નથી ખોલાવ્યું.

મીડિયામાં જેમિમા વિશે શું કહેવાયું?

ભારતની વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર જેમિમા પાકિસ્તાની ખેલાડીને ભેટી એ ઘટના બદલ જેમિમા ખૂબ ટ્રોલ થઈ છે. ‘એક્સ' પર એક ક્રિકેટપ્રેમીએ લખ્યું છે, ‘પહલગામની ઘટનામાં જેમિમાના પરિવારના કોઈ સભ્યની હત્યા થઈ હોત તો પણ શું તેણે પાકિસ્તાની ખેલાડી પ્રત્યે આવો સ્નેહ બતાવ્યો હોત?'

‘એક્સ' પર બીજા એક યુઝરે ટકોર કરતા લખ્યું છે, ‘આ બીસીસીઆઈની ટૂર્નામેન્ટ નથી એટલે જેમિમા પોતે ધારે એ કરી શકે.'