Tue Jul 07 2026

Logo

જયા બચ્ચન ફરી પેપરાઝી પર ભડક્યાં: કરણ જોહરે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો,  જુઓ વાયરલ વીડિયો

2026-02-19 19:32:37
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડનાં દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન પોતાની ફિલ્મો કરતા વધુ તેમના આકરા સ્વભાવ અને પેપરાઝી (ફોટોગ્રાફર્સ) સાથેની બોલાચાલીને કારણે ચર્ચામાં રહે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના એવા વીડિયો વાયરલ થાય છે જેમાં તેઓ મીડિયાકર્મીઓને ખીજાતા જોવા મળે છે. તાજેતરમાં મુંબઈની એક હોટલ બહાર ફરી એકવાર આવો જ નજારો જોવા મળ્યો હતો, જ્યાં જયા બચ્ચને કેમેરામેન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

જયા બચ્ચન મુંબઈની ફોર સીઝન્સ હોટલ બહાર પોતાની ફ્રેન્ડસ સાથે જોવા મળ્યા હતા. તેમને જોતા જ પેપરાઝીએ ફોટા પાડવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જયાજીએ તેમને અવગણ્યા અને મોઢું ફેરવી લીધું હતું. પરંતુ જ્યારે ફોટોગ્રાફર્સે બીજી તરફથી એંગલ લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે જયા બચ્ચનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે ગુસ્સામાં આવીને સ્પષ્ટ કહી દીધું કે, "બસ હવે બહુ થયું, ફોટા પાડવાનું બંધ કરો."

આ ડ્રામા વચ્ચે ફિલ્મમેકર કરણ જોહર પણ ત્યાં પહોંચ્યા હતા. જયા બચ્ચન અને કરણ જોહર વચ્ચે હોટલની બહાર લાંબી વાતચીત થઈ હતી. રસપ્રદ વાત એ હતી કે, જયાજી કરણ સાથે વાત કરતી વખતે પણ વચ્ચે-વચ્ચે પેપ્સ તરફ ગુસ્સામાં જોતા હતા. જ્યારે કરણ જોહર વિદાય લઈ રહ્યા હતા ત્યારે જયાજીએ ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી, પરંતુ કરણે ખૂબ જ પ્રેમથી તેમને ગળે લગાવીને શાંત પાડ્યા હતા.

જ્યારે કરણ જોહર પોતાની કાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે પેપરાઝીએ તેમનો આભાર માન્યો. આના જવાબમાં કરણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, "મારા કારણે જ આજે તમને જયાજીના ફોટા મળ્યા છે." કરણની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ ફોટોગ્રાફર્સ હસી પડ્યા હતા. કરણે આ વાત હસતા હસતા જયા બચ્ચનને પણ કહી હતી, જેના પર અભિનેત્રીનું રિએક્શન જોવા જેવું હતું. આ મસ્તીભર્યો વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.