જૌનપુરઃ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં વરરાજા હત્યાકાંડના મામલે યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લગ્ન મંડપે પહોંચે તે પહેલા જ ફૂલોથી સજેલી કારમાં વરરાજા આઝાદ બિંદની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય શૂટર અને રૂપિયા 1 લાખના ઇનામી બદમાશ રવિ યાદવને પોલીસે એક ભયાનક મુઠભેડમાં ઠાર કર્યો છે. આ એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને ગુનેગારો વચ્ચે સામસામે ભારે ફાયરિંગ થયું હતું, જેમાં પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. તેમના હાથમાં ગોળી વાગી છે, જ્યારે અન્ય એક પોલીસકર્મીનો બુલેટપ્રૂફ જેકેટના કારણે આબાદ બચાવ થયો છે.
શું હતો સમગ્ર મામલો?
આ ચકચારી ઘટના 1 મેના રોજ જૌનપુરના સરાયખ્વાજા પોલીસ સ્ટેશન વિસ્તારના બડઅઉર ગામમાં બની હતી. ઘરમાં ઢોલ-નગારા વાગી રહ્યા હતા, બારાતીઓ નાચી રહ્યા હતા. વરરાજા આઝાદ બિંદ ફૂલોથી સજેલી કારમાં બેસીને કન્યા સોની બિંદને પરણવા બીબીપુર ગામ જવા નીકળ્યો હતો. ઘરથી માંડ 5 કિલોમીટર દૂર હાઇવે પર બારાત પહોંચી જ હતી કે બાઇક સવાર બદમાશોએ કારને ઘેરી લીધી અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પહેલી ગોળી કારની વિન્ડશીલ્ડ તોડીને આઝાદના સીનામાં અને બીજી ગોળી તેના જડબામાં વાગી હતી. લોહીલુહાણ હાલતમાં આઝાદને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
લગ્નના ઘરમાં ક્ષણભરમાં ખુશી માતમમાં ફેરવાઈ ગઈ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ લગ્નને લઈને ચાલી રહેલી જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. છોકરીનો સંબંધી પ્રદીપ બિંદ આ લગ્નથી ભારે નારાજ હતો. તેણે જ આઝાદને લગ્ન ન કરવા માટે અગાઉ ધમકી આપી હતી. પ્રદીપે જ પોતાના સાથીદારો રવિ યાદવ અને ભોલે રાજભર સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા બાદ યુપી પોલીસે ત્રણેય આરોપીઓ પર 1-1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ખેતાસરાય પોલીસ સોમવારે વહેલી સવારે ગોરારી વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી, ત્યારે બાઇક પર બે શંકાસ્પદ યુવકો આવતા દેખાયા. પોલીસે તેમને રોકવાનો ઇશારો કરતા જ તેઓ બાઇક વાળીને નિર્માણાધીન બાયપાસ તરફ ભાગવા લાગ્યા અને પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
મુખ્ય શૂટર રવિ યાદવને તબીબોએ મૃત જાહેર કર્યો
આ દરમિયાન ઇન્સ્પેક્ટર કે.કે. સિંહના ડાબા હાથમાં ગોળી વાગવા છતાં પોલીસે હિંમત ન હારી અને જવાબી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક બદમાશ ગોળી વાગવાથી નીચે ઢળી પડ્યો, જ્યારે તેનો બીજો સાથી અંધારાનો ફાયદો ઉઠાવીને નાસી છૂટ્યો હતો. ઘાયલ બદમાશને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ આરોપીની ઓળખ મુખ્ય શૂટર રવિ યાદવ તરીકે થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ એન્કાઉન્ટરમાં રવિ યાદવના મોત બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ હાઈપ્રોફાઈલ કેસ હજુ પૂરો થયો નથી. વરરાજા હત્યાકાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ પ્રદીપ બિંદ અને તેનો સાથી ભોલે રાજભર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ બંને પર પણ 1-1 લાખ રૂપિયાનું ઇનામ છે, જેની શોધખોળ યથાવત છે.