જામનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું હતું. વહેલી સવારથી લોકોએ મતદાન મથકે મત આપવા માટે લાઈન લગાવી હતી. સૌરાષ્ટ્રના જામનગરમાં લોકતંત્ર પ્રત્યે સમર્પણની એક ઉત્તમ તસીવર જોવા મળી હતી. અહીં એક યુવતીએ જીવનસાથી સાથે ફેરા લેતા પહેલાં ફરજ નિભાવી હતી. લગ્ન પ્રસંગના ખાસ અવસર પર મતદાનને પ્રાથમિકતા આપીને પોતાનું લોકતંત્ર પ્રત્યેનું કર્તવ્ય અદા કર્યું છે. લગ્ન પ્રસંગે જ્યાં જુદી જુદી વિધિ ચાલી રહી હતી એવામાં દુલ્હન વિવાહના પરિધાનમાં મતદાન મથકે મત આપવા માટે પહોંચી હતી.
મંડપ નહીં મતદાન કેન્દ્રને પ્રાધાન્ય આપ્યું
જામનગર શહેરના ગુલાબનગરની રહેવાસી મીરા પરમારે જવાબદાર નાગરિક તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે.સામાન્ય રીતે જ્યારે લગ્નના દિવસે દુલ્હન પોતાની તૈયારીમાં વ્યસ્ત રહેતી હોય છે. મીરાએ મંડપમાં પહોંચતા પહેલા મતદાન કેન્દ્રએ જઈને મતદાન કર્યું હતું. લાલકલરના લહેંગા અને દુલ્હન ડ્રેસમાં યુવતી પોલિંગ બુથ પર પહોંચી હતી. એમને જોઈને વહીવટી તંત્રનો સ્ટાફ પણ આશ્ચર્ય પામી ગયો હતો. બુથ પરના કર્મચારી જ નહીં પણ અન્ય મતદાતાઓનું પણ યુવતીએ ધ્યાન ખેંચ્યું હતું. મતદાન કર્યા બાદ વહીવટી તંત્રના કર્મચારી તથા અન્ય મતદાતાઓએ પણ એમની ફરજના વખાણ કર્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મીરાબેન પરમારએ જે રીતે મતદાનને જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્નથી વધારે પ્રાથમિકતા આપી પોતાની ફરજ નિભાવી મતદાન કરેલ છે તે જ રીતે તમામને અવશ્ય મતદાન કરવા વહીવટી તંત્રની અપીલ છે. @JayantiRavi @SECGujarat @infojamnagargog pic.twitter.com/uCdn8OUJQv
— Collector Jamnagar (@CollectorJamngr) April 26, 2026
કેમેરા સામે મસ્ત પોઝ આપ્યો
મીરાએ મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ કેમેરા સામે મસ્ત પોઝ આપ્યો હતો. તસવીરમાં એમની આંગળી પર મહેંદીની સાથે નખ પર મતદાન કર્યાની શાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. મીરાએ કહ્યું હતું કે, મતદાન દરેક નાગરિકનો અધિકાર નહીં પણ કર્તવ્ય છે.લોકતંત્રને મજબૂત કરવા માટે ચૂંટણી એક અવસર છે. એનું એક મહત્ત્વ છે. દરેક નાગરિક મતદાનને પ્રાથમિકતા આપે તો સમાજની સાથે દેશ પણ સશક્ત બની જશે. મીરાના આ નિર્ણયને એમના પરિવારે પણ આવકાર્યો છે અને સ્વીકાર્યો છે. પરિવારજનોએ એમની જાગૃતિ અને જવાબદારીના વખાણ કર્યા છે. પરિવારજનોનું એવું કહેવું છે કે, મીરાએ ન માત્ર પોતાના માટે પણ સમાજના દરેક યુવા માટે એક પ્રેરણાપૂરી પાડી છે.
અધિકારીઓએ પણ પ્રશંસા કરી
જામનગર જિલ્લા વહીવટી તંત્રએ પણ મીરના કર્તવ્યની પ્રશંસા કરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે, આ પ્રકારની પહેલ યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત રાખે છે, જાગૃતિ ફેલાવે છે. ગુજરાતમાં 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન થઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. મીરાની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.