Thu Apr 23 2026

Logo

અમરનાથ યાત્રા માટે તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે નોંધણી પ્રક્રિયા

2026-04-12 15:18:08
Author: Mumbai Samachar Team
Article Image

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા અમરનાથ યાત્રાના તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે પવિત્ર યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 57 દિવસનો સમયગાળો રહેશે. આ તારીખો શ્રાવણ મહિના સાથે જોડાયેલી છે, જ્યારે ભગવાન શિવનું પ્રસિદ્ધ બરફનું લિંગમ દર્શનની સંભાવના વધુ રહે છે.  ચાલો જાણીએ તમારે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે...

15 એપ્રિલથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે

અમરનાથ યાત્રા 2026 માટે નોંધણી પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવશે. આ યાત્રામાં ભાગ લેવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવશે નહીં, તેવું પણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. આ યાત્રા માટે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની વેબસાઈટ અથવા યસ બેંક, આઈસીઆઈસીઆઈ, પંજાબ નેશનલ, એસબીઆઈ અને એક્સિસ બેંકની 550થી વધુ શાખાઓમાં નોંધણી કરાવી શકાશે. રજિસ્ટ્રેશન માટે આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા દસ્તાવેજો અને ડૉક્ટરનું કોમ્પલ્સરી હેલ્થ સર્ટિફિકેટ જરૂરી છે. 

3 જુલાઈથી 28 ઓગસ્ટના સુધી ચાલશે અમરનાથ યાત્રા

મનોજ સિન્હાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથ જી શ્રાઇન બોર્ડ (SASB) ની બેઠક દરમિયાન યાત્રાની તારીખો અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યાત્રા અંગે વિગતો આપતા મનોજ સિન્હાએ જણાવ્યું કે, ‘અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વખતે, યાત્રાનો સમયગાળો પાછલા વર્ષોની તુલનામાં થોડો લાંબો - લગભગ 57 દિવસનો રાખવામાં આવ્યો છે’.

વધુમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, પહેલી પૂજા 19 જૂને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે. મનોજ સિન્હાના જણાવ્યાં પ્રમાણે આ યાત્રા બે માર્ગો પર યોજાશે: પહેલો - અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ; અને બીજો - ગાંદરબલ જિલ્લામાં પ્રમાણમાં ટૂંકો 14 કિલોમીટર લાંબો, છતાં વધુ ઢાળવાળો, બાલતાલ માર્ગ. અમરનાથ યાત્રા ભક્તિ, સાહસ અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે. લાખો ભક્તો બાબા બરફાનીએ દર્શન માટે આ યાત્રા કરે છે, જે હિંદુ ધર્મનું મહત્ત્વનું તીર્થ છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આવશે તેવી આશા છે.