Wed Aug 26 2026

Logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકાની હત્યાની કોશિશ, IRGCએ રચ્યું ષડયંત્ર

Washington DC   2026-05-23 10:14:00
Author: Mumbai Samachar Team
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકાની હત્યાની કોશિશ, IRGCએ રચ્યું ષડયંત્ર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના એક ખતરનાક કાવતરાનો પર્દાફાશ થયો છે. ઈરાનની સેના 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) દ્વારા તાલીમ પામેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પનો જીવ લેવાની સંપૂર્ણ યોજના (પ્લાન) તૈયાર કરી લીધી હતી.

એક રિપોર્ટ મુજબ, આ આતંકવાદી છ વર્ષ પહેલા અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા તેના ગુરુ અને ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતો હતો.

સુરક્ષા એજન્સીઓએ ઇવાન્કા ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા આતંકવાદીને પકડી લીધો છે. તેની ઓળખ 32 વર્ષના મહોમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તે ઈરાકનો નાગરિક હોવાનું કહેવાય છે.

કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતો હતો આતંકવાદી

6 વર્ષ પહેલા બગદાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ એક મોટા ઓપરેશનમાં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને મારી નાખ્યો હતો. અલ-સાદી આ હુમલાને પોતાના ગુરુનું મોત માનતો હતો અને ત્યારથી જ તે ટ્રમ્પ પરિવારને બરબાદ કરવાની ફિરાકમાં હતો.

આરોપી અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર, ખાસ કરીને તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને જાનથી મારી નાખવાના સોગંદ લીધા હતા. તપાસ દરમિયાન સુરક્ષા દળોને અલ-સાદી પાસેથી ફ્લોરિડામાં આવેલા ઇવાન્કા ટ્રમ્પના આલીશાન ઘરની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ મળી આવી છે. તે ઘણા સમયથી તેમના ઘરની રેકી (જાસૂસી) કરી રહ્યો હતો.

'આપણે ઇવાન્કા ટ્રમ્પને મારવી પડશે'

વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસના ભૂતપૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી એન્તિફાધ કનબરે આ આતંકવાદીના ઇરાદાઓ વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'કાસિમ સુલેમાનીના માર્યા ગયા પછી, અલ-સાદી લોકોને કહેતો ફરતો હતો કે આપણે ઇવાન્કા ટ્રમ્પને મારવી પડશે. તે કહેતો હતો કે આપણે ટ્રમ્પના આખા ઘરને એ જ રીતે સળગાવીને રાખ કરી દેવું જોઈએ, જે રીતે તેણે આપણા ઘરને (કમાન્ડર સુલેમાનીને) તબાહ કર્યું હતું.'