તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયો છે. શનિવારે મોડી રાત્રે અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત દળોએ ઈરાનની રાજધાની તેહરાનને નિશાન બનાવીને સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની આર્થિક કરોડરજ્જુ ગણાતા તેલ ભંડારો અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, તેહરાનના દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં આવેલા ‘શહરાન’ તેલ ડેપો પર અનેક મિસાઈલો છોડવામાં આવી હતી. હુમલા એટલા પ્રચંડ હતા કે તેના ધડાકાઓ પડોશી શહેર કરજ સુધી સંભળાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેહરાનના આકાશમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના કાળા ગોટા સ્પષ્ટ જોઈ શકાય છે, જે આ તબાહીની ગંભીરતા દર્શાવે છે.
ઈઝરાલી સેનાએ આ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે તેમણે ખાસ કરીને એવા ઈંધણ સંગ્રહ કેન્દ્રોને નષ્ટ કર્યા છે જેનો ઉપયોગ ઈરાની સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવતો હતો. 'શહેર-એ-રે' જિલ્લાની મુખ્ય રિફાઈનરી અને અલ્બોર્ઝ પ્રાંતના ઓઈલ ડેપો પર થયેલા આ હુમલાઓ પાછળની રણનીતિ ઈરાનની સૈન્ય ગતિવિધિઓને રોકવાની છે. નિષ્ણાતો માને છે કે ઉર્જા મથકો પરનો આ સીધો પ્રહાર ઈરાનની અર્થવ્યવસ્થાને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડશે.
આ હુમલા પૂર્વે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું હતું કે, "આજે ઈરાન પર ખૂબ જ ખરાબ અસર પડશે." રિપોર્ટ્સ મુજબ, છેલ્લા એક સપ્તાહમાં શરૂ થયેલા આ લોહિયાળ જંગમાં ઈરાનમાં અંદાજે 1,230 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લેબનાન અને ઈઝરાયેલમાં પણ ભારે જાનહાનિ થઈ છે. પરિસ્થિતિ હાલમાં અત્યંત તણાવપૂર્ણ અને અનિશ્ચિત છે.