Thu Apr 30 2026

Logo

ઈઝરાયલે રશિયા-ઈરાન વચ્ચેની સેફ સપ્લાય લાઇન તોડી, કેસ્પિયન સાગરમાં મોટો હુમલો

Tehran   2026-03-25 08:43:15
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક એવા ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે, જ્યાં ભૌગોલિક મર્યાદાઓ ઓગળી રહી છે. અત્યાર સુધી સુરક્ષિત ગણાતા કેસ્પિયન સાગરના કિનારે ઈઝરાયલે હુમલો કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ રશિયા અને ઈરાન વચ્ચેના અત્યંત ગુપ્ત અને મજબૂત ગણાતા હથિયાર સપ્લાય રૂટ પર સીધો પ્રહાર છે. આ ઓપરેશન સાથે ઈઝરાયલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુશ્મન ગમે તેટલા સુરક્ષિત વિસ્તારમાં હોય, તેની પહોંચથી દૂર નથી.

ઈઝરાયલના આ ટાર્ગેટેડ ઓપરેશનમાં ઈરાનના કેસ્પિન કિનારે આવેલા વ્યૂહાત્મક ‘બંદર અંજલી’ પોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં વોરશિપ, નેવલ કમાન્ડ સેન્ટર અને શિપયાર્ડ જેવી સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. રિપોર્ટ્સ મુજબ, આ રૂટ દ્વારા લાખો રાઉન્ડ દારૂગોળો અને આર્ટિલરી શેલ્સ રશિયા મોકલવામાં આવતા હતા, જેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ થઈ રહ્યો હતો. ખાસ કરીને ઈરાની 'શાહેદ ડ્રોન'ની સપ્લાય લાઇન આ હુમલા બાદ જોખમમાં મુકાઈ ગઈ છે.

કેસ્પિયન સાગર વિશ્વનો સૌથી મોટો ઈનલેન્ડ વોટર બોડી છે, જે લાંબા સમયથી પશ્ચિમી દેશો અને અમેરિકી નૌકાદળની નજરથી દૂર એક 'સેફ હેવન' માનવામાં આવતું હતું. રશિયા અને ઈરાન આ માર્ગનો ઉપયોગ હથિયારોની લેવડદેવડ ઉપરાંત સેટેલાઈટ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ ડ્રોન ટેકનોલોજી શેર કરવા માટે કરતા હતા. રશિયાએ આ હુમલાની આકરી ટીકા કરતા તેને સિવિલિયન ટ્રેડ હબ પર પ્રહાર ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આનાથી જંગ વધુ વકરશે.

આ હુમલાની અસર માત્ર સૈન્ય ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની આર્થિક અસરો પણ ગંભીર હોઈ શકે છે. આ જ દરિયાઈ માર્ગનો ઉપયોહ રશિયા અને ઈરાન વચ્ચે ઘઉં અને અન્ય જીવનજરૂરી ચીજ વસ્તુઓના વેપાર માટે થતો હતો. હથિયારોના ટ્રાન્સફરને રોકવા જતાં હવે પ્રદેશની ફૂડ સિક્યોરિટી સામે પણ સવાલો ઉભા થયા છે. નિષ્ણાતો માને છે કે જોકે રશિયા અને ઈરાન અન્ય વૈકલ્પિક રસ્તાઓ શોધશે, પણ ઈઝરાયલે સાબિત કરી દીધું છે કે તે અણધાર્યા વિસ્તારોમાં ઘૂસીને ચોકસાઈપૂર્વક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.