Mon Aug 31 2026

Logo

યુદ્ધવિરામ જાહેર થયા બાદ ઇઝરાયલે બેરૂત પર કર્યા હવાઇ હુમલા

Tel Aviv   2026-04-08 22:13:14
Author: Chandrakant Kanoja
યુદ્ધવિરામ જાહેર થયા બાદ ઇઝરાયલે બેરૂત પર કર્યા હવાઇ હુમલા

AP Photo/Bilal Hussein


તેલ અવીવ : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયા બાદ ઇઝરાયલે બુધવારે બપોરે અચાનક લેબનોનની રાજધાની બેરૂત પર હુમલો કર્યો. બેરૂતના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં કોઈપણ ચેતવણી વિના હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઈરાન સાથે થયેલ યુદ્ધવિરામ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ જૂથ સામે તેના ચાલી રહેલા સંઘર્ષને લાગુ પડતો નથી.

100 થી વધુ હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો

જોકે,  પાકિસ્તાને જણાવ્યું હતું કે ઈરાન સાથેના બે અઠવાડિયાના યુદ્ધવિરામથી ઇઝરાયલ લેબનોનમાં પણ તેના હુમલાઓ બંધ કરવા માટે બંધાયેલો છે. ઇઝરાયલી સૈન્યએ મધ્ય બેરુત, દક્ષિણ લેબનોન અને પૂર્વીય બેકા ખીણમાં મોટા પાયે હુમલાઓ કર્યા છે. માત્ર 10  મિનિટના સમયગાળામાં 100  થી વધુ હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. 

મકાનમાં આગ લાગી અને અસંખ્ય વાહનોને નુકસાન થયું 

આ હુમલાઓ પછી બેરુતના અનેક જિલ્લાઓમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. એક રહેણાંક મકાનમાં આગ લાગી અને અસંખ્ય વાહનોને નુકસાન થયું. આ હુમલાઓમાં કેટલા લોકો માર્યા ગયા કે ઘાયલ થયા તે હજુ સ્પષ્ટ નથી. જોકે, દુકાનો અને બજારોથી ભરેલા વિસ્તારોમાં અનેક હુમલાઓ થયા હતા આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો 

ઇઝરાયલી લશ્કરે હિઝબુલ્લાહના મિસાઇલ લોન્ચ સ્થળો, કમાન્ડ સેન્ટરો અને ગુપ્તચર માળખાને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. સૈન્યએ હિઝબુલ્લાહ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. લેબનોને તેના નાગરિકોનું રક્ષણ કરવા માટે હિઝબુલ્લાહને રહેણાંક વિસ્તારોમાં તેના ઠેકાણા અને શસ્ત્રો ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરતા અટકાવવા જરૂરી છે.