Thu Sep 10 2026

Logo

કીર્તિ આઝાદના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ગરમાવોઃ ઈશાન કિશને ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

2026-03-10 16:49:53
Author: Mumbai Samachar Team
કીર્તિ આઝાદના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ગરમાવોઃ ઈશાન કિશને ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

પટના/અમદાવાદ: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડને હરાવીને ઐતિહાસિક વિજય મેળવી હતી, પરંતુ આ ખુશીની ક્ષણો વચ્ચે એક નવો વિવાદ છેડાયો છે. ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હેડ કોચ ગૌતમ ગંભીર અને જય શાહ અમદાવાદના હનુમાન ટેકરી મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ ધાર્મિક મુલાકાતને લઈને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે સવાલો ઉઠાવતા સોશિયલ મીડિયા પર વિવાદનું નિર્માણ થયું છે.

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કીર્તિ આઝાદે આ પગલાની ટીકા કરતા કહ્યું હતું કે, ટ્રોફી કોઈ એક ધર્મની નથી, પણ બધા લોકોની છે. ટીમમાં દરેક ધર્મના ખેલાડીઓ છે, તો પછી ટ્રોફીને માત્ર મંદિરે જ કેમ લઈ જવામાં આવી? આ વિવાદ અંગે જ્યારે પટના પહોંચેલા ઈશાન કિશનને પૂછવામાં આવ્યું ત્યારે તે લાલઘૂમ થઈ ગયો હતો. ઈશાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે આટલો મોટો વર્લ્ડ કપ જીત્યા છીએ, તમે કંઈક સારા પ્રશ્નો પૂછો. કીર્તિ આઝાદે શું કહ્યું તેના પર મારે શું બોલવું?" ઈશાને આ વિવાદમાં પડવાને બદલે ટીમની સિદ્ધિ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

કીર્તિ આઝાદનું માનવું છે કે ટીમ ઈન્ડિયા સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી ટ્રોફીને મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં પણ લઈ જવી જોઈએ. તેમના મતે આ સફળતામાં દરેક ધર્મના ખેલાડીઓનું યોગદાન છે. જોકે, ઈશાન કિશનના જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વર્તમાન ટીમના ખેલાડીઓ આવા વિવાદોથી દૂર રહીને ફક્ત સેલિબ્રેશન પર ધ્યાન આપવું જોઈએ એમ પરોક્ષ રીતે સંકેત આપ્યો હતો.

આ વખતના T20 વર્લ્ડ કપ 2026 ઈશાન કિશન માટે કારકિર્દીનો મહત્ત્વનો તબક્કો રહ્યો છે. તે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે. તેણે 9 મેચમાં 35.22ની એવરેજથી કુલ 317 રન ફટકાર્યા હતા, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. ખાસ કરીને ફાઈનલ મેચમાં તેની આક્રમક બેટિંગ અને સમગ્ર ટુર્નામેન્ટમાં તેનો 193.29નો સ્ટ્રાઈક રેટ ભારતની જીત માટે પાયાનો પથ્થર સાબિત થયો હતો.