નીલા સંઘવી
સ્ત્રી કોમળ હોય છે. એનો સ્વભાવ ઋજુ હોય છે. આ સ્ત્રીના ગુણ છે, પરંતુ હાલમાં આ સમીકરણ બદલાઈ રહ્યાં હોય એવું લાગે છે. આજની સ્ત્રી એટલી ઋજુ નથી રહી. વાંદાથી ગભરાતી સ્ત્રી માણસને પણ મારી શકે એટલી હદે નિર્દય થઈ ગઈ છે. આજે આપણે અહીં કંઈ એવી ખૂના મરકીની વાત નથી કરવાના, પણ સ્ત્રી કઈ હદે પોતાન સાસરિયાંને પરેશાન કરી શકે છે તેની વાત કરવાના છીએ.
પહેલાં બહુ દબાઈને રહેલી સ્ત્રી હવે સ્પ્રિંગની માફક ઉછળી છે. હિન્દી સિરિયલમાં દેખાડાતા છળ-પ્રપંચ જોઈને બહેનો પણ એવું વર્તન કરવા પ્રેરાઈ છે.
હસમુખભાઈ પત્ની ગીતાબહેન અને પુત્રી ત્રણેય અમદાવાદ પાસે એક નાનકડા ગામમાં રહેતાં હતાં. હસમુખભાઈનો પુત્ર આશિષ અને પુત્રવધૂ હેતા મુંબઈ રહેતાં હતાં. આશિષની જૉબ મુંબઈમાં હતી તેથી તે મુંબઈ શિફટ થઈ ગયો હતો. હસમુખભાઈ-ગીતાબહેનને ગામમાં જ ગમતું હતું તેમને મુંબઈની ભાગદોડભરી જિંદગી, મૅચબૉક્સ જેવડા ઘરમાં ફ્લૅટનાં બારણાં બંધ કરીને બેસી રહેવાનું આવું બધું ફાવતું ન હતું.
તેમનું નાનકડું મકાન હતું ગામમાં, જેના દરવાજા આખો દિવસ ખુલ્લા હોય. આવતા-જતા લોકો, ‘જય શ્રીકૃષ્ણ કરીને વાતો કરવા આવી જાય, ચા-પાણીએ પીવે. ગીતાબહેન દેવદર્શને જાય. ઘરના ઓટલે સાંજે મહિલા મંડળની મીટિંગ થાય. એમાં જાતજાતની વાતો થાય. આ લોકોને કયાંથી મુંબઈ ગમે? એટલે મા-બાપ અને દીકરી ત્રણેય ગામમાં જ રહેતાં હતાં. વાર-તહેવારે આશિષ અને હેતા ગામમાં આવીને બે-ચાર દિવસ રહી જતાં.
એક ગોઝારા દિવસે ગીતાબહેનની તબિયત લથડી અને એકાદ મહિનાની બીમારી ભોગવીને ગીતાબહેન શ્રીજચરણ થયાં. આશિષ અને હેતા ગામ આવ્યાં. માતાની બધી મરણોત્તર ક્રિયા પતાવીને પંદર-વીસ દિવસ રહ્યા હવે જવાનો સમય થયો. એટલે આશિષે પપ્પાને કહ્યું, ‘પપ્પા, તમે અને રિયા અમારી સાથે મુંબઇ જ આવી જાઓ. મમ્મી વિના તમે બંને અહીં કેવી રીતે રહેશો? મમ્મી વિનાનું ઘર તમને ખાવા ધાશે ! મને તમારી ચિંતા રહ્યા કરશે.’
‘પણ એમ કેવી રીતે? આ ઘર સમેટવું પડે’ હસમુખભાઈએ કહ્યું.
‘એ બધું પછી ફરી આવીને કરીશું. હમણાં તો મમ્મીનો ઘા તાજો છે એટલે અમારી સાથે જ ચાલો. થોડા સમય પછી ઘરનું જોઈશું.’ આશિષને ખરેખર પપ્પા અને બહેનની ચિંતા થતી હતી તેથી પપ્પાને આગ્રહ કરી રહ્યો હતો, પણ હેતા મનમાંને મનમાં ચિડાતી હતી. કેટલીયે વાર આશિષની સામે જોઈને આંખો કાઢતી હતી, પણ આશિષનું ધ્યાન ન હતું. આશિષના આગ્રહને વશ થઈને પિતા હસમુખભાઈ અને રિયા ભાઈ આશિષ સાથે મુંબઈ જવા રવાના થયાં. હેતા મનમાં ને મનમાં ચિડાતી રહી પણ શું કરે? આશિષે એની પરવા જ ન કરી.
રિયાની કૉલેજમાં હમણાં વેકેશન હતું. આશિષે કહ્યું હતું, ‘રિયા, પછી આપણે અહીંની કૉલેજમાં તારુંં ઍડ્મિશન કરાવી દઈશું.’ રિયા પોતાની ભાભીને કિચનમાં તેમ જ ઘરકામમાં મદદ કરતી હતી. હસમુખભાઈ આશિષનું બૅન્કનું કામ કરી આવતા હતા. આશિષ ખુશ હતો.
પપ્પાને આવવાથી તેને નાનાં-મોટાં કામમાંથી રાહત મળી હતી. કિચનનું બધું કામ મોટે ભાગે રિયા જ કરતી હતી તે આશિષ જોતો હતો તેથી તેણે હેતાને કહ્યું, ‘તને તો મજા થઈ ગઈ છે. રિયાના આવવાથી રસોડાના કામથી તારો છૂટકારો થઈ ગયો છે.’ પણ આશિષની વાતનો કોઈ જવાબ હેતાએ આપ્યો નહીં. ઊલટું રાતના પોતાના રૂમમાં તે આશિષને રિયા અને હસમુખભાઈ વિરુદ્ધ ચઢાવ્યા કરતી હતી. જોકે આશિષ કાચા કાનનો ન હતો. તે પોતાના પિતા અને બહેનને બરાબર જાણતો હતો. અને તેમનું વર્તન પણ જોતો હતો. આશિષ પોતાની વાત સાંભળતો ન હતો. તેથી હેતા બરાબરની ગિન્નાઈ હતી.
હસમુખભાઈને ગામમાં જરૂરી કામ હોવાથી એકાદ અઠવાડિયા માટે ગામ જવાના હતા. એ માટે તેમણે બૅગ પૅક કરી. હેતા બહુ ભડકેલી હતી. તે એક ચાલ ચાલી. આશિષના કબાટમાંથી થોકડી બંધ રૂપિયા લઈને હસમુભાઈની બૅગમાં તેમનાં કપડાં વચ્ચેચ છુપાવીને મૂકી દીધં. રિયાએ આ જોઈ લીધું. એને થયું કે હેતા કંઈક પ્લાન કરી રહી છે. તેથી હેતા જેવી બીજા રૂમમાં ગઈ કે તરત જ રિયાએ રૂપિયાની થોકડી પપ્પાની બૅગમાંથી કાઢીને હેતાના કબાટમાં સાડીની થપ્પી વચ્ચે છુપાવી દીધી. પછી ઘરની બહાર નીકળીને આશિષને ફોન કરીને બધી હકીકત જણાવી દીધી.
બીજે દિવસે સવારે હસમુખભાઈ નીકળવાના હતા. આશિષ ઘરે આવ્યો. બધા જમ્યાં. આશિષ પપ્પા સાથે વાતો કરતો હતો. હેતા પણ હતી, તે બોલી, ‘પપ્પા, તમારે પૈસાની જરૂર હતી તો આશિષને કહેવું જોઈતું હતું, તમે આશિષના કબાટમાંથી ચોરી કેમ કરી?
‘ચોરી? મેં ચોરી કરી? હું શા માટે ચોરી કરું?’ હસમુખભાઈ તો બધવાઈ ગયા. એટલે આશિષ તરફ ફરીને હેતા બોલી, ‘આશિષ, હું સાચું કહું છું. ખાત્રી કરવી હોય તો પપ્પાની બૅગની તલાશી લે.’
‘હેતા, કાંઇક તો વિચારીને બોલ, એ મારા પપ્પા છે.’ ‘તું નહીં માને, જો હું તને તેમની બૅગમાં બતાઉં છું. મેં મારી નજરે તેમને કબાટમાંથી પૈસા ચોરીને બૅગમાં મૂકતા જોયા છે.’કહીને હેતા હસમુખભાઈની બૅગ ખોલવા લાગી. બૅગ ખોલીને બધો સામાન બહાર કાઢયો પણ કાંઈ નીકળ્યું નહીં. હેતા ડઘાઈ ગઈ. આશિષે પૂછયું,
‘બોલ, ક્યાં છે પપ્પાની બૅગમાં પૈસા?’
‘મેં તેમને બૅગમાં પૈસા મૂકતા જોયા હતા,’ હેતા ખચકાઈને બોલી.
‘હવે હું તને બતાવું પૈસા ક્યાં છે.’ હેતાનો હાથ પકડીને આશિષ તેના કબાટ સુધી લઈ ગયો અને સાડીની થપ્પી નીચેથી પૈસાનું બંડલ બતાવ્યું. હેતા રડવા માંડી.
આશિષે કહ્યું, ‘હેતા, મારા પપ્પાની પર આવું ચોરીનું આળ નાખતાં પહેલાં હવે સો વાર વિચારજે. આ વખતે માફ કરું છું. બીજી વાર ઘરમાંથી તને જ રવાના કરી દઈશ.’