Tue Apr 21 2026

Logo

શું તમે પણ ROનું પાણી પીવો છો? તમારી આ ભૂલના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે...

2026-03-10 15:45:00
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં શુદ્ધ પાણી પીવા માટે મોટાભાગના ઘરોમાં રિવર્સ ઓસ્મોસિસ એટલે કે આરઓ ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, શું તમે જાણો છો કે જે પાણીને તમે સૌથી શુદ્ધ માની રહ્યા છો, તે વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોઈ શકે છે? આવું અમે નહીં પણ ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સ કહી રહ્યા છે. ચાલો આજે આપણે આ સ્ટોરીમાં જાણવાનો પ્રયાસ કરીશું કે ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ આરઓ વોટરના સતત વપરાશને લઈને ચોંકાવનારી ચેતવણી આપી છે-

આરઓ સિસ્ટમ પાણીમાંથી ગંદકી અને હાનિકારક કેમિકલ્સ દૂર કરવાની સાથે સાથે શરીર માટે જરૂરી એવા નેચરલ મિનરલ્સને પણ દૂર કરી નાખે છે. જેને કારણે શરીરને જરૂરી એવા મિનરલ્સ મળતાં નથી. ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સે આ બાબતે ચેતવણી ઉચ્ચારી છે. જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને પસ્તાવવાનો વારો નહીં આવે.

નેચરલ મિનરલ્સ દૂર કરે છે
આરઓ ફિલ્ટરેશન પ્રક્રિયા દરમિયાન પાણીમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા જરૂરી તત્વો પણ ગળાઈ જાય છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી આવું "ડેડ વોટર" (પોષક તત્વો વગરનું પાણી) પીવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે.

સ્વાસ્થ્ય પર આરઓ વોટરની જોવા મળતી અસર
નિષ્ણાતોના મતે RO પાણીના વધુ પડતા ઉપયોગથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. કેલ્શિયમની ઉણપને કારણે સાંધાનો દુખાવો અને હાડકા નબળા પડવાની સમસ્યા રહે છે. આ સિવાય મેગ્નેશિયમની અછત હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડતા સતત થાક લાગે છે. આરઓ પ્રક્રિયા પાણીને વધુ પડતું એસિડિક બનાવી શકે છે, જે પાચનતંત્ર માટે યોગ્ય નથી.

ડોક્ટર્સ શું કહે છે... 
વાત કરીએ ડોક્ટર અને હેલ્થ એક્સપર્ટ્સના અભિપ્રાયની તો ડૉક્ટર્સના મતે કે જો તમારા વિસ્તારમાં પાણીનું ટીડીએસ એટલે કે ટોટલ ડિસોલવ્ડ સોલિડ 500 કરતાં ઓછું હોય, તો આરઓની જરાય જરૂર નથી. આવા કિસ્સામાં માત્ર પાણી ઉકાળીને કે પછી સાદા ફિલ્ટરનો ઉપયોગ કરીને પીવું વધારે હિતાવહ છે. જો આરઓ વાપરવું જ પડે એમ હોય તો તેમાં 'મિનરલ કાર્ટ્રિજ' અથવા TDS કંટ્રોલરનો ઉપયોગ કરવો જોઈએ જેથી જરૂરી ક્ષાર અને મિનરલ્સ જળવાઈ રહે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જ જોડાયેલા રહો...