Sun Sep 06 2026

Logo

દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે? સોશિયલ મીડિયા પરની અફવા વચ્ચે સરકારે કરી મોટી સ્પષ્ટતા..

2026-03-06 22:30:00
Author: Viral Rathod
દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે? સોશિયલ મીડિયા પરની અફવા વચ્ચે સરકારે કરી મોટી સ્પષ્ટતા..

નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ શરૂ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર ખાસ કરીને વોટ્સએપ પર અફવાઓનો ઢગલો થઈ રહ્યો છે. વાસ્તવિક સંકટ કરતા આ અફવા ખરા અર્થમાં આફત બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને કેટલાક સંદેશાઓ જંગલમાં આગની જેમ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે પ્રજામાં પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાનો ભયનો માહોલ છે. ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. આવા માહોલ વચ્ચે સવાલ થવો સ્વાભાવિક છે કે, શું ખરેખર પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ જવાના છે?

પેટ્રોલિયમ કંપનીઓનો ઘટસ્ફોટ
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ લોકો આ અફવાનો ભોગ બની રહ્યા છે, ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહે કહ્યું છે કે ભારતમાં ઊર્જાની અછત નથી અને અમારી પ્રાથમિકતા નાગરિકોને સસ્તુ અને ટકાઉ ઇંધણ પૂરું પાડવાની છે. ઉપરાંત, પેટ્રોલિયમ કંપનીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી દિગ્ગજ કંપનીએ આ વિષય પર મૌન તોડતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલ ખતમ થવાની વાતનો જે સંદેશો ફોરવર્ડ થઈ રહ્યો છે. એ પાયાવિહોણો છે. 

આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે, જે આવનારા દિવસોમાં ઝડપથી ખૂટી પડે એમ નથી. સામાન્ય રીતે જ્યારે પણ મિડલ ઈસ્ટમાં તણાવ વધે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઉથલપાથલ થાય ત્યારે પહેલી અસર પેટ્રોલ-ડીઝલ પર થાય છે. ઘણીવાર આવા સમયે સમાચારને ખોટી રીતે ટ્વિસ્ટ કરીને મૂકવામાં આવે છે, જેના કારણે પ્રજા ગેરમાર્ગે દોરાય જાય છે અને પેટ્રોલ પંપ બાજુ દોટ મૂકે છે. 

પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક 
પેટ્રોલિયમ કંપનીઓએ દાવા સાથે વાત કરી હતી કે, દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે. સામાન્ય પ્રજાએ ખોટી રીતે દોડાદોડી કરવાની જરૂર નથી. પેટ્રોલ પંપ પર ખોટી ભીડ ભેગી થાય એવું ન કરશો. દરેક નાગરિકના વાહનોને મળી રહે એટલું પેટ્રોલ-ડીઝલ દેશમાં છે. અફવાઓથી સાવધાન રહો અને પેટ્રોલ પંપ પર ભીડ ન કરશો. જ્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનને લઈ પેટ્રોલ પંપ પર પહોંચે છે ત્યારે એક પ્રકારની કૃત્રિમ અછત ઊભી થાય છે. આ કટોકટીને પહોંચવું મુશ્કેલીભર્યું થઈ જાય છે. BPCLએ જણાવ્યું હતું કે, અમે દરેક નાગરિકોના વાહનોને પુરતું પેટ્રોલ-ડીઝલ આપવા માટે તૈયાર છીએ.

ફ્યુઅલ સ્ટોકને લઈ સરકારની નજર
ભારત ઊર્જા અને ફ્યુઅલ સ્ટોકને લઈ એલર્ટ છે. સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ દરેક નાની-મોટી મૂવમેન્ટ પર નજર રાખી રહી છે. HPCLએ ખાતરી આપતા ઉમેર્યું હતું કે, પેટ્રોલ-ડીઝલનો સ્ટોક સમગ્ર દેશમાં સંતુલિત રાખવા પ્રયાસ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટું સંકટ આવે છે તો ભારત પાસે પોતાનો પૂરતો બેકઅપ છે. હવે ગાડીની ફ્યુઅલ ટેંક ભરાવવા માટે ખોટી દોડમાં દોડવાની જરૂર નથી.