મુંબઈ: ઈરશાલવાડીમાં થયેલા વિનાશક ભૂસ્ખલનમાં 141 લોકોએ જીવ ગુમાવ્યાના ત્રણ વર્ષ બાદ પણ 53 પરિવારો એવા સંબંધીઓના મૃત્યુ પ્રમાણપત્રોની રાહ જોઈ રહ્યા છે જેમનાં મૃતદેહો ક્યારેય મળી શક્યા ન હતા. આ અંગે ખાલાપુરના તહસીલદાર અભય ચવાણે જણાવ્યું હતું કે, જે પીડિતોના મૃતદેહોની ઓળખ થઈ શકી હતી તેમના માટે મૃત્યુ પ્રમાણપત્રો તો અગાઉ જ જારી કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે ગુમ થયેલા લોકો માટેની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે.
19 જુલાઈ 2023ની રાત્રે ખાલાપુર તાલુકાના ઇરશાલવાડી ગામમાં આવેલું ભૂસ્ખલન મહારાષ્ટ્રની સૌથી વિનાશક કુદરતી હોનારત પૈકીની એક છે. સતત વરસાદને કારણે રાત્રે લગભગ 11 વાગ્યે પહાડીનો એક મોટો હિસ્સો ધસી પડ્યો હતો, જેનાથી ઘરો ટનબંધ કાદવ અને કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ, દુર્ગમ ઢાળવાળો વિસ્તાર અને આ અંતરિયાળ ગામમાં રસ્તાનો અભાવ આ તમામ પરિબળોને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઊભો થયો હતો. સ્થાનિક ગ્રામજનો, જિલ્લા વહીવટીતંત્ર, સ્વયંસેવકો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (TDRF) દ્વારા વ્યાપક પ્રયાસો કરવા છતાં, અનેક પીડિતો કાટમાળ નીચે દબાયેલા જ રહી ગયા અને તેમના મૃતદેહો ક્યારેય મળી શક્યા નહીં.
ભૂસ્ખલન થયાના થોડા સમય બાદ એક ગ્રામવાસીએ સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરીને સૌપ્રથમ આ અંગેની માહિતી આપી હતી. મહેસૂલ વિભાગના અધિકારીઓ, તબીબો, સ્વયંસેવકો અને ગ્રામજનો રાત દરમિયાન ચાલીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેઓએ ટોર્ચ, પાવડા, કોદાળી અને અન્ય સામાન્ય સાધનોનો ઉપયોગ કર્યો હતો કારણ કે ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાનને લીધે ભારે મશીનરી કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો શક્ય નહોતો.
20 જુલાઈની વહેલી સવારે NDRFના લગભગ 100 જવાન અને TDRFના 25 સભ્યો આ કામગીરીમાં જોડાયા હતા, પરંતુ સતત વરસાદ અને ફરીથી ભૂસ્ખલન થવાના જોખમને કારણે બચાવકર્મીઓએ આખરે સ્થળના અમુક ભાગોમાં ખોદકામની કામગીરી સ્થગિત કરવી પડી હતી.
સત્તાવાર આંકડા મુજબ, આ દુર્ઘટનાથી 41 પરિવારોનાં 228 લોકો પ્રભાવિત થયા હતા. તેમાંથી 219 લોકો ઇરશાલવાડીના રહેવાસી હતા અને નવ લોકો ગામની બહારના હતા. ઇરશાલવાડીના રહેવાસીઓ પૈકી 27 લોકોને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યા હતા, 53 લોકો હજુ પણ ગુમ છે અને 139 લોકો બચી ગયા હતા. પ્રભાવિત લોકોમાં 118 પુરુષો અને 120 મહિલાઓનો સમાવેશ થતો હતો, અને આ દુર્ઘટનાને કારણે 22 બાળકો અનાથ થઈ ગયા હતા.
ભૂસ્ખલનને કારણે પશુધન અને મિલકતને પણ વ્યાપક નુકસાન થયું હતું. સત્તાવાર રેકોર્ડ મુજબ, મૃતદેહો મળી આવ્યા અને તેમની ઓળખ થયા બાદ 27 પીડિતોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 57 લોકો ગુમ હતા. જોકે તમામ પાત્ર પરિવારોને વળતર અને પુનર્વસનનો લાભ આપવામાં આવ્યો હતો, તેમ છતાં અત્યાર સુધી માત્ર મળી આવેલા 27 પીડિતોના જ મૃત્યુ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે, પરિણામે 53 પરિવારો હજુ પણ તેમના ગુમ થયેલા સંબંધીઓ માટેના કાયદાકીય દસ્તાવેજોની રાહ જોઈ રહ્યા છે.
વિલંબનું કારણ સમજાવતા ચવાણે જણાવ્યું હતું કે સામાન્ય પ્રક્રિયા મુજબ, ગ્રામ પંચાયત મૃત્યુના એક વર્ષની અંદર મૃત્યુનું પ્રમાણપત્ર જારી કરી શકે છે. તે સમયગાળા પછી, આ બાબત ન્યાયતંત્રના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
'આ કિસ્સામાં, ન્યાયતંત્રએ પ્રમાણપત્રો જારી કરવાનો ઇનકાર કર્યો હતો ત્યાર બાદ આ જવાબદારી તહસીલદાર કચેરી પર આવી હતી. અમે હવે જાહેર સૂચનાઓ અને જાહેરાતો બહાર પાડીને આ પ્રક્રિયા શરૂ કરી છે. સામાન્ય રીતે, ગુમ થયેલી વ્યક્તિને સાત વર્ષ પછી જ મૃત જાહેર કરી શકાય છે. જોકે, ઇરશાલવાડીના કિસ્સામાં એ સ્પષ્ટ છે કે જે લોકોનો પત્તો લાગ્યો નથી તેઓ ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે દટાઈ ગયા હતા' એમ ચવાણે જણાવ્યું હતું.
મૃત્યુના પ્રમાણપત્રો જારી કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે વહીવટીતંત્ર ગુમ થયેલા તમામ 57 વ્યક્તિઓ માટે એક સંયુક્ત પંચનામું તૈયાર કરશે. જોખમો અને ભારે મશીનરીની મર્યાદાઓને કારણે એક ચોક્કસ તબક્કાથી આગળ ખોદકામ ચાલુ રાખવાનું અશક્ય હતું. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે અમે આ અઠવાડિયે એક બેઠક યોજી રહ્યા છીએ. મારો લક્ષ્યાંક એક મહિનાની અંદર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનો અને બાકી રહેલા મૃત્યુ પ્રમાણપત્રો માટેના આદેશો જારી કરવાનો છે. એમ તેમણે કહ્યું હતું.
મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં વિલંબથી અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય પર કોઈ અસર પડી નથી. SDRF અને NDRFના ધોરણો હેઠળ, તમામ મૃતકો અને ગુમ થયેલા પીડિતોના પરિવારોને વળતર આપવામાં આવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી રાહત ભંડોળ અને પ્રધાનમંત્રી રાહત ભંડોળ દ્વારા વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. વહીવટીતંત્રે કામચલાઉ આશ્રય, તબીબી સંભાળ, કાઉન્સેલિંગ, ખોવાયેલા દસ્તાવેજોની ફેરબદલી, અનાથ બાળકો અને વિધવાઓ માટે પેન્શન, પશુધનના નુકસાન માટે વળતર અને તમામ અસરગ્રસ્ત પરિવારો માટે કાયમી પુનર્વસન પણ પૂરું પાડ્યું હતું.
આ દુર્ઘટના બાદ, રાજ્ય સરકારે અસરગ્રસ્ત તમામ 43 પરિવારોનું ચોક-માનીવલી ખાતે વિકસાવવામાં આવેલી નવી વસાહતમાં પુનર્વસન કર્યું અને ઓક્ટોબર 2024માં તેમને પાયાની નાગરિક સુવિધાઓથી સજ્જ કાયમી મકાનો સોંપ્યા હતા. સરકારી વિભાગો, ઉદ્યોગો અને સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી અસરગ્રસ્તો માટે રોજગારીની તકો તેમજ સિલાઈ અને મીણબત્તી બનાવવાની તાલીમ સહિતના કૌશલ્ય-વિકાસ કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
ચવાણે જણાવ્યું હતું કે 'લાભાર્થીઓ તહસીલદારની કચેરીમાંથી મંજૂરી મેળવ્યા બાદ વળતરની રકમ મેળવી શકે છે. અસરગ્રસ્ત મોટાભાગના પરિવારો આદિવાસી સમુદાયના હોવાથી, અમે ખાતરી કરીએ છીએ કે મંજૂરી આપતા પહેલાં નાણાંનો ઉપાડ માત્ર શિક્ષણ, લગ્ન કે અન્ય આવશ્યક જરૂરિયાતો જેવા રચનાત્મક હેતુઓ માટે જ કરવામાં આવે.'
વહીવટીતંત્ર દ્વારા કાનૂની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવતાં પોતાના સ્વજનોના મૃત્યુની સત્તાવાર માન્યતા માટે ત્રણ વર્ષથી રાહ જોઈ રહેલા પરિવારોને આગામી એક મહિનામાં બાકી રહેલા મૃત્યુ પ્રમાણપત્રો મળી જવાની અપેક્ષા છે, આનાથી મહારાષ્ટ્રની સૌથી ભયાનક ભૂસ્ખલન દુર્ઘટનાઓમાંની એક ઘટનાનો લાંબા સમયથી પ્રતીક્ષિત કાનૂની ઉકેલ આવશે.