ભારતીય રેલવે ((Indian Railway) અને આઈઆરસીટીસી (IRCTC) દ્વારા ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવેલી ઓલ-ઈન-વન સુવિધા આપતી ઈન્ટિગ્રેટેડ એપ 'RailOne'એ સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. લોન્ચિંગના માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં આ એપના ડાઉનલોડ્સનો આંકડો 4.76 કરોડને પાર થઈ ગયો છે. આ સાથે જ આ એપ દ્વારા દરરોજ 10 લાખથી વધુ ઓનલાઈન ટિકિટોનું બુકિંગ થઈ રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અધિકૃત નિવેદન અનુસાર, ભારતીય રેલવેની આ સિંગલ ડિજિટલ એપ મુસાફરોની પહેલી પસંદ બની ગઈ છે.
રોજ 10 લાખથી વધુ ટિકિટોનું ઓનલાઈન બુકિંગ:
મંત્રાલયના આંકડા અનુસાર, ૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં RailOne એપ દ્વારા દરરોજ સરેરાશ 10 લાખ ટિકિટો બુક થઈ રહી છે, જેમાં 2.9 લાખ રિઝર્વ્ડ (આરક્ષિત) ટિકિટો અને 7.24 લાખ અનરિઝર્વ્ડ (અનારક્ષિત/UTS) ટિકિટોનો સમાવેશ થાય છે.
એક જ એપમાં તમામ સુવિધાઓ:
વાત કરીએ આ એપ્લિકેશનની સૌથી મોટી ખાસિયતની આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે મુસાફરોને હવે રેલવેની અલગ-અલગ સેવાઓ માટે ફોનમાં અલગ-અલગ એપ્લિકેશન્સ રાખવી પડતી નથી.
યુટીએસ અને પ્લેટફોર્મ ટિકિટ: એપ દ્વારા કન્ફર્મ રિઝર્વેશનની સાથે યુટીએસ (UTS) એટલે કે અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરી શકાય છે.
ટ્રેન સ્ટેટસ અને પીએનઆર: લાઈવ ટ્રેન રનિંગ સ્ટેટસ, PNR સ્ટેટસ ચકાસણી અને 'રેલ મદદ' સુવિધા પણ ઉપલબ્ધ છે.
ફૂડ ઓન ટ્રેક: મુસાફરી દરમિયાન પોતાની સીટ પર જ ગરમ અને તાજું ખાવાનું ઓર્ડર કરી શકાય છે.
આર-વોલેટ: બુકિંગ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે વોલેટ પેમેન્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
89 ટકા રિઝર્વ્ડ ટિકિટો હવે ઓનલાઈન બુક થાય છે:
રેલવેના આંકડા અનુસાર, વર્ષ 2013-14 માં જ્યાં માત્ર 49 ટકા ટિકિટો ઓનલાઈન બુક થતી હતી, ત્યાં હવે વધીને 89 ટકા રિઝર્વ્ડ ટિકિટો ઓનલાઈન માધ્યમથી જ બુક થાય છે. આ સિવાય લોકલ અને અનરિઝર્વ્ડ ટિકિટોમાં પણ 39 ટકા મુસાફરો હવે એપનો ઉપયોગ કરી રહ્યા છે.
નવી IRCTC વેબસાઈટનું ફાઈનલ વર્ઝન ટૂંક સમયમાં:
રેલવેએ ટિકિટ બુકિંગ અનુભવને વધુ સરળ બનાવવા માટે તાજેતરમાં જ નવી IRCTC વેબસાઈટનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. ટૂંક સમયમાં જ તેનું સ્ટેબલ ફાઈનલ વર્ઝન લોન્ચ કરાશે. નવી વેબસાઈટમાં મોટો યુઝર ઈન્ટરફેસ (UI) ફેરફાર અને હાઈ બેન્ડવિડ્થ આપવામાં આવી રહી છે, જેથી તત્કાલ અને પીક અવર્સમાં એકસાથે લાખો લોકો વિના કોઈ અડચણે ટિકિટ બુક કરી શકશે.