નવી દિલ્હીઃ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ શ્રદ્ધાળુઓ માટે 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા' નામની વિશેષ યાત્રાની જાહેરાત કરી છે. ભારત ગૌરવ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા આયોજિત આ 11 દિવસની યાત્રા દરમિયાન દેશના સાત પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે. ધાર્મિક પ્રવાસને વધુ આરામદાયક અને સુવિધાસભર બનાવવા માટે આઈઆરસીટીસીએ આ વિશેષ ટૂર પેકેજ તૈયાર કર્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરમાં રુટમાં સમાવિષ્ટ
આ યાત્રાની શરૂઆત 25 સપ્ટેમ્બર, 2026ના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશન ખાતેથી થશે અને તે 5 ઑક્ટોબર, 2026ના પૂર્ણ થશે. મુસાફરો દિલ્હી ઉપરાંત મથુરા જંક્શન, આગ્રા કૅન્ટ, વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી અને ભોપાલ જંક્શન પરથી પણ ટ્રેનમાં ચઢી અને ઉતરી શકશે. ટ્રેનનો રૂટ દિલ્હી સફદરજંગ, ઉજ્જૈન, મહૂ, દ્વારકા, ઓખા, વેરાવળ, ખડકી જંક્શન, છત્રપતિ સંભાજીનગર, નાશિક રોડ અને ફરી દિલ્હી સફદરજંગ રહેશે.
યાત્રાધામ સાથે હેરિટેજ સાઈટનો પણ છે સમાવેશ
યાત્રા દરમિયાન મુસાફરોને ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, મહાકાલ કોરિડોર અને રામઘાટ, ઓમકારેશ્વરમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, દ્વારકામાં દ્વારકાધીશ મંદિર, રુક્મિણી દેવી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકા, સોમનાથમાં સોમનાથ મંદિર, સોમનાથ બીચ અને ભાલકા તીર્થ, પુણે ખાતે ભીમાશંકર જ્યોતિર્લિંગ, છત્રપતિ સંભાજીનગરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ઈલોરાનું કૈલાશ મંદિર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ તેમ જ નાશિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અને પંચવટી જેવા સ્થળોના દર્શન કરાવવામાં આવશે.

ટૂરિસ્ટ ટ્રેનમાં કુલ 150 મુસાફરોની ક્ષમતા
ભારત ગૌરવ ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેનમાં કુલ 150 મુસાફરોની ક્ષમતા છે. ટ્રેનમાં સુપિરિયર એસી ફર્સ્ટ કૂપે, સુપિરિયર એસી ફર્સ્ટ કેબિન, ડિલક્સ એસી ટુ-ટિયર અને કમ્ફર્ટ એસી થ્રી-ટિયર જેવી ચાર અલગ-અલગ શ્રેણીની સુવિધા ઉપલબ્ધ છે, જેથી મુસાફરો પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે પસંદગી કરી શકે.
અલાયદી સુવિધા માટે ખર્ચમાં થશે વધારો
આઈઆરસીટીસીના આ વિશેષ ટૂર પેકેજની શરૂઆત ત્રણ વ્યક્તિના શેરિંગમાં પ્રતિ વ્યક્તિ ₹88,810થી થશે. જ્યારે સુપિરિયર એસી ફર્સ્ટ (કૂપે)માં વ્યક્તિની અલાયદી સુવિધા માટે પ્રતિ વ્યક્તિ ₹1,34,255 સુધીનો ખર્ચ થશે.
પ્રવાસીઓને 33 ટકા સુધીની રાહત આપવામાં આવી
આઈઆરસીટીસીએ આપેલી માહિતી અનુસાર ભારત ગૌરવ ટ્રેન યોજના હેઠળ ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓને અંદાજે 33 ટકા સુધીની રાહત આપવામાં આવી રહી છે, જે પેકેજની કિંમતમાં પહેલેથી જ આવરી લેવાઈ છે. પેકેજમાં ટ્રેન મુસાફરી, 3-સ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા, સંપૂર્ણ શાકાહારી ભોજન, એસી વાહનો દ્વારા સ્થાનિક પ્રવાસ અને દર્શન, ટ્રાવેલ ઈન્શ્યોરન્સ તેમ જ આઈઆરસીટીસી દ્વારા પ્રવાસના વ્યવસ્થાપનની સેવા પણ અપાશે, તેથી સાત જ્યોતિર્લિંગોની યાત્રા એક જ પ્રવાસમાં આરામદાયક રીતે કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે આ પેકેજ એક સારો વિકલ્પ બની શકે છે.