Wed Jun 17 2026

Logo

ઈરાને યુદ્ધ વિરામ માટે તૈયાર! રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને મૂકી આ ત્રણ શરતો

Tehran   2026-03-12 16:22:08
Author: Savan Zalariya
Article Image

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ચિંતા વ્યાપી ગઈ છે, દુનિયાભરના દેશો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. એવામાં ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સામેના યુદ્ધનો અંત લાવવાની તૈયારી બતાવી છે, પરંતુ તેના માટે ત્રણ શરતો મુકી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું ઈરાનને ખાતરી આપવામાં આવે કે ભવિષ્યમાં તેના પર કોઈ હુમલો ન કરે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને યુદ્ધને કારણે ઈરાનને થયેલા નુકસાન માટે વળતરની પણ માંગ કરી.

પેઝેશ્કિયાને આ ત્રણ શરતો મૂકી:

મસૂદ પેઝેશ્કિઆને લખ્યું, "રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે વાત કરીને મેં જણાવ્યું કે પ્રદેશમાં શાંતિ માટે ઈરાન પ્રતિબદ્ધ છે. ઝાયોનિસ્ટ શાસન અને યુએસ દ્વારા શરુ કરવામાં આવેલા આ યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો ઈરાનના કાયદેસર અધિકારોને માન્યતા આપવા, વળતરની ચુકવણી કરવા અને ભવિષ્યના આક્રમણ સામે આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવાનો છે." 

ઈરાનના સૈન્યએ આપી ચેતવણી:

ઈરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તા અબોલફઝલ શેકાર્ચીએ ચેતવણી આપી હતી કે જો યુએસ ઈરાનના બંદર પર હુમલો કરશે તો પર્સિયન ગલ્ફમાં આવેલું કોઈપણ બંદર, આર્થિક કેન્દ્ર અથવા મથક ઈરાનની પહોંચની બહાર નથી.
અબોલફઝલ શેકાર્ચીએ જણાવ્યુ, "અમે આ પ્રદેશના દેશોને અપીલ કરીએ છીએ કે અમેરિકનોને તેમની જમીન પરથી હાંકી કાઢવામાં આવે." 

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, પણ ઇઝરાયલ યુદ્ધનો અંત લાવવાના પક્ષમાં નથી.