Mon Sep 07 2026

Logo

દુબઈ એરપોર્ટ પર ઈરાને કર્યો ડ્રોન હુમલો, ઇંધણ ટાંકીમાં આગ લાગતા હવાઈ સેવા સ્થગિત

Abu Dhabi   2026-03-16 08:55:00
Author: Vimal Prajapati
દુબઈ એરપોર્ટ પર ઈરાને કર્યો ડ્રોન હુમલો, ઇંધણ ટાંકીમાં આગ લાગતા હવાઈ સેવા સ્થગિત

દુબઈઃ મધ્યપૂર્વમાં યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે. સતત એકબીજાને ધમકીઓ આપવામાં આવી રહી છે અને સાથે હુમલાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. ઈરાને ફરી એક વખત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આના કારણે યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાની ડ્રોન દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફયૂલ ટેન્ક સાથે અથડાયું હતું. જેના કારણે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. 

ઈરાની ડ્રોન દુબઈ એરપોર્ટના ફયૂલ ટેન્ક સાથે અથડાયું 

હુમલાની જાણ થતાની સાથે જ દુબઈની સુરક્ષા ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, આ હુમલામાં કે આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી. દુબઈ સુરક્ષા તંત્ર દ્વારા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને બચાવકાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

 

એરપોર્ટ સાથે જોડાયેલી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરાઈ

દુબઈ મીડિયા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, દુબઈ એરપોર્ટ પર હુમલાના કારણે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હુમલા બાદ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ સાવચેતીના પગલા તરીકે એરપોર્ટ સાથે જોડાયેલી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. નાગરિકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ આવેલા મુસાફરોને તંત્ર દ્વારા શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, અચાનક વિમાન સેવા સ્થગિત કરી દેવામા આવતા લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રનું કહેવું છે કે, સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.