મેંગલોર/નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઉર્જાનું ગંભીર સંકટ સર્જાયું છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં કડક ઘેરાબંધી અને જહાજોની અવરજવર પર લગાવેલા પ્રતિબંધોએ આંતરરાષ્ટ્રીય બજારને હચમચાવી દીધું છે.
તેલ અને ગેસ લઈને નીકળેલા માલવાહક જહાજો દરિયામાં જ અટવાઈ પડ્યા છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે, જેની સીધી અસર આવનારા દિવસોમાં તેલના ભાવો અને ઉપલબ્ધતા પર પડી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તહેરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને જહાજોની અવરજવર માટે તાત્કાલિક નહીં ખોલે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેશે. ટ્રમ્પે આ માટે ઈરાનને માત્ર 48 કલાકનો સમય આપ્યો છે. ભારતીય સમય મુજબ મંગળવાર સવાર સુધીમાં જો ઈરાન નમતું નહીં જોખે તો મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનું સંકટ મહત્તમ તોળાઈ રહ્યું છે.
મેંગલોર બંદર પર પહોંચ્યા તેલ અને ગેસના જહાજો
યુદ્ધના આ તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર મેંગલોર બંદરથી આવ્યા છે. અમેરિકાના ટેક્સાસથી એલપીજી (LPG) ભરીને એક મોટું માલવાહક જહાજ મેંગલોર પહોંચી ગયું છે. આ ઉપરાંત, રશિયન તેલ ટેન્કર 'એક્વા ટાઈટન' પણ શનિવારે ન્યૂ મેંગલોર બંદર પર લંગારાયું હતું. નોંધનીય છે કે આ રશિયન ટેન્કર વાસ્તવમાં ચીન જઈ રહ્યું હતું, પરંતુ રણનીતિક બદલાવ વચ્ચે તે ભારત પહોંચ્યું છે. આ પૂરવઠાથી દેશમાં ગેસ અને તેલની અછત વર્તાતી હતી તેમાં થોડી રાહત મળવાની આશા છે.
મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ભારતનો ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે સરકારે શરૂઆતમાં હોટેલ અને કમર્શિયલ એકમોના ગેસ પુરવઠામાં કાપ મૂકીને ઘરગથ્થુ રસોઈ ગેસને પ્રાથમિકતા આપી હતી. જોકે, હવે સ્થાનિક ઉત્પાદનમાં વધારો થતા સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે.
સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કોમર્શિયલ એલપીજીના ક્વોટામાં 20 ટકાનો વધારો મંજૂર કર્યો છે, જેનાથી કુલ ફાળવણી હવે 50 ટકા સુધી પહોંચી ગઈ છે. આ નિર્ણયથી વેપાર-ઉદ્યોગોને મોટી રાહત મળશે.