નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે, ઈરાનના કંટ્રોલમાં રહેલા હોર્મુઝ સ્ટ્રેટ પાસે પણ યુદ્ધ થતા જળમાર્ગે પસાર થતા ક્રૂડ-ગેસના જહાજની અવરજવર અટકી હતી. આના કારણે ક્રૂડ અને ગેસની કટોકટી ઊભી થઈ હતી. આમાં સરકારે મહત્ત્વના પગલાં લીધા છે. એકબાજુ જ્યાં ડૉમેસ્ટિક પ્રોડક્શન વધારવામાં આવી રહ્યું છે સાથોસાથ 5 કિલોના સિલિન્ડરની સપ્લાય પણ વધારી દેવામાં આવી છે. સરકાર ગેસના સંકટને ટાળવા માટે મહામહેનત કરી રહ્યું છે, પરંતુ હાલમાં પેનિક બુકિંગનું સ્તર અંકુશ બહારનું હોવાની સરકારે કબૂલ્યું હતું.
પેનિક બુકિંગ નહીં કરવા અપીલ
આ માહોલ હોવા છતા પણ ઘણાય એવા લોકો છે જે પેનિક બુકિંગ કરાવી રહ્યા છે. પેનિક બુકિંગના આંકડામાં કોઈ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. રિપોર્ટ અનુસાર આશરે 90 લાખ આસપાસ LPGનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય દિવસમાં આ બુકિંગ આશરે 50 લાખ અને ફેસ્ટિવલ સીઝનમાં આ બુકિંગ 70 લાખ સુધી પહોંચી જતુ હતું. સરકાર હજુ પણ લોકોને અપીલ કરી રહી છે કે, તેઓ કોઈ રીતે પેનિક બુકિંગ ન કરાવે. પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા નિષ્ફળ જતા હોર્મુઝને લઈને ચિંતા વધી ગઈ હતી. સમગ્ર એશિયામાં ગેસનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ભારતમાં સરકારે LPG ગેસને લઈને મોટું પગલું લીધુ છે.
સ્ટોક પર સતત મોનટરિંગ
કોઈ પણ સ્થિતિમાં ગેસની કટોકટી ઊભી ન થાય અને સ્ટોક સંપૂર્ણ રીતે ખતમ ન થાય એનું સરકાર ખાસ ધ્યાન રાખી રહી છે. પણ સરકારની પેનિક બુકિંગ ન કરાવવાની અપીલને લોકોએ જાણે ન સ્વીકારી હોય એ રીતે આંકડા સામે આવી રહ્યા છે. લોકો ચિંતામાં બુકિંગ કરાવી રહ્યા છે. ડૉમેસ્ટિક લેવલ પર સપ્લાય ચાલું રહે એ માટે 5 કિલોના સિલિન્ડરનો સ્ટોક વધારી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સરકારને આ પગલાંથી LPG ગેસ સિલિન્ડરની કટોકટીને પહોંચી વળવામાં મોટી મદદ મળી રહે છે. 23 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 13 લાખથી વધારે 5 કિલોના LPG સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે.
PNG ગેસ નેટવર્કનો વિસ્તાર વધ્યો
દૈનિક ધોરણે આ સિલિન્ડરના યુનિટની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની શરૂઆત થઈ એ પછી ડૉમેસ્ટિક સ્તરે ગેસ ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યા હતા. માત્ર ખાડીના દેશ પર નિર્ભર ન રહીને LPGનું ઉત્પાદન વધાર્યું છે. આ સિવાય અન્ય દેશ પાસેથી પણ LPG ગેસ આયાત કરવાનું શરૂ કર્યું હતું. ડૉમેસ્ટિક સ્તરે ગેસ સિલિન્ડરની બુકિંગ ટાઈમલાઈનમાં પણ ફેરફાર કર્યો હતો, જેથી સંકટના સમયમાં કોઈ પરિસ્થિતિ પેનિક ન બને. PNG ક્નેક્શનનું નેટવર્ક વધારવા માટે પણ સરકારે આદેશ આપ્યા હતા.
અન્ય દેશમાંથી પણ આયાત
માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી 4,24,000થી વધુ નવા LPG ક્નેક્શન ચાલુ કરવામાં આવ્યા છે. નવા ક્નેક્શન સાથે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ગ્રાહકોએ PNG ક્નેક્શન બાદ પોતાના પાસે રહેલા ગેસના સિલિન્ડર જમા કરાવી દીધા હતા. મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવ અને યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકાર સતર્ક બની છે. ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તે માટે સરકારે વ્યૂહાત્મક પગલાં લીધા છે. માત્ર મધ્ય પૂર્વ પર નિર્ભર રહેવાને બદલે રશિયા, બ્રાઝિલ અને અન્ય દેશો પાસેથી ક્રૂડની આયાત વધારી દેવામાં આવી રહી છે.