ન્યૂ યોર્કઃ ઈરાન પર હુમલાઓ કર્યા, તહેરાનને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, ધમકીઓ આપી અને હવે આખરે યુદ્ધ વિરામ! તો શું આ અમેરિકાની હાર છે કે જીત? આ યુદ્ધ વિરામ અંગે નિષ્ણાતો શું કહી રહ્યાં છે? 39 દિવસ યુદ્ધ ચાલ્યું પરંતુ અમેરિકા સામે ઈરાને હાર માની નહીં! અમેરિકાએ હુમલો કર્યો તો સામે ઈરાને પણ તેનો જવાબ આપ્યો જ છે. આ યુદ્ધના કારણે બંને દેશોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમેરિકા આ યુદ્ધ વિરામને જીત માની રહ્યું છે, પરંતુ વાસ્તવમાં હકીકત કંઈક અલગ છે.
અમેરિકાએ દબાણ કર્યું પર ઈરાન હાર્યું નહીં
વાસ્તવમાં, આ અમેરિકાની નહીં પરંતુ ઈરાનની વિજય હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે યુદ્ધ પહેલા જે શરતો ને લઈને અમેરિકા ઈરાન દબાણ કર્યું હતું, તેમાં કોઈ ફેરફાર થયો જ નથી. ઈરાન પોતાની શરતો પર યુદ્ધ વિરામ ઇચ્છતું હતું અને અમેરિકા પણ તેના માટે માની પણ ગયું છે. તો પછી જીત અમેરિકાની કેવી રીતે થઈ? અમેરિકાએ યુદ્ધ વિરામ જાહેરાત કરી તે ઇઝરાયલ માટે ચિંતાજનક છે. આના માટે અમેરિકાએ ઇઝરાયલ સાથે કઈ વાત કરી છે કે નહીં તે પણ પ્રશ્ન છે.
યુદ્ધ વિરામ અમેરિકાની હાર છે, જાણો કેમ....
- અમેરિકાની પહેલી શરત એ હતી કે, સમૃદ્ધ યુરેનિયમને શિફ્ટ કરવામાં આવે, પરંતુ તે ઈરાને માની નહીં. ઈરાન માત્ર હોર્મુઝ ખોલવા માટે જ સંમત થયું. તેમાં પણ ઇરાને શરત રાખી છે કે, જે દેશ ટોલ ટેક્સ આપશે તેના જ જહાજોને હોર્મુઝ પાર કરવા દેવામાં આવશે. આ પહેલા અહીંથી પસાર થવા માટે કોઈ ટેક્સ નહોતો આપવો પડતો.
- યુનાઇટેડ સ્ટેટ્સે ઉતાવળમાં યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી છે. અને તેમાં પણ ફક્ત પોતાના હિતોનું ધ્યાન રાખ્યું છે. આ યુદ્ધ વિરામ માટે અમેરિકાએ મધ્યપૂર્વના પોતાના કોઈ પણ સહયોગી દેશ સાથે વાત કરી નથી. એટલું જ નહીં પરંતુ અમેરિકાએ ઈરાનની શરતો માની યુદ્ધ વિરામની જાહેરાત કરી છે.
- આ યુદ્ધ વિરામને યુએસ સેનેટર ક્રિસ માર્ફીએ આત્મસમપર્ણ ગણાવ્યું છે. યુએસ સેનેટર ક્રિસ માર્ફીનું કહેવું છે કે, એક દિવસ પહેલા આવેલા ઈરાનના પ્રસ્તાવને ટ્રમ્પે સ્વીકારી લીધો તે આત્મસમપર્ણ જ કહેવાય! તે પણ એવી સ્થિતિમાં કે ઈરાન અત્યારે કમજોર છે. તેમ છતાં અમેરિકાએ યુદ્ધ વિરામની ઘોષણા કરી! તે વાત પણ પ્રમાણિત થઈ ગઈ કે, હોર્મુઝ અમેરિકાના નહીં પરંતુ ઈરાનના કંટ્રોલમાં છે.
- અમેરિકા હવે કોઈને યુદ્ધની ધમકી નહીં આવી શકે તેવું ડેનિશ સિટ્રિનોવિચનું કહેવું છે. ઈરાન હવે અમેરિકા સાથે યુદ્ધ કરતા નહીં ડરે! એટલે કે યુદ્ધ વિરામની જાહેરાત કરીને અમેરિકાએ જાતે જ હાર સ્વીકારી છે.
- જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે ટ્રમ્પે ઈરાનમાં સત્તાને ઉથલાવવાની વાત કરી હતી. પરંતુ એવું થયું નહીં, યુદ્ધના 40 દિવસ પછી ઈરાન મજબૂત રીતે અમેરિકાનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધ વિરામ માટે ઈરાને નહીં પરંતુ અમેરિકાએ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સંપર્ક કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે, એક પોસ્ટમાં ટ્રમ્પે મોજતબા ખામેનેઈને ઓછા કટ્ટરપંથી નેતા ગણાવ્યાં હતા.
યુદ્ધ વિરામ માટે અમેરિકાએ જ ઉતાવળ કરી
આ પાંચ મુદ્દાઓને જોતા એવું લાગે છે કે, યુદ્ધ વિરામ માટે અમેરિકાએ જ ઉતાવળ કરી છે. ઈરાન તો હજી પણ અમેરિકા સાથે યુદ્ધ કરવા માટે તૈયાર હતું. અત્યારે પણ સ્થિતિ જો વિકટ બને તો ઈરાન યુદ્ધથી પાછું નહીં હટે અને વળતો જવાબ આપશે તેવી ઈરાનના સર્વોચ્ચ નેતાએ ધમકી આપેલી જ છે. મૂળ વાત એ છે કે, જગ પંચાત કરતા ટ્રમ્પને હવે હારનો સામનો કરવો પડ્યો છે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.