તહેરાનઃ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે હવે ઈરાને અમેરિકાનો મોટી ધમકી આપી છે. ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલા તેલ સ્થાપનોને ખતમ કરી દેવાની મોટી ધમકી આપી છે. ઈરાને કહ્યું કે, જો તેની સામે હુમલા ચાલુ રહેશે તો તે મોટી કાર્યવાહી કરશે. છેલ્લા 15 દિવસથી અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલો કરી રહ્યાં છે, સામે ઈરાન દ્વારા પણ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. હવે ફરી ઈરાને અમેરિકાને મોટી ધમકી આપી છે.
યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે તેલ સંકટ સર્જાયું
ઈરાને કહ્યું કે, અમેરિકા સાથે જોડાયેલી તેલની સુવિધાઓને તેઓ ખતમ કરી નાખશે. 15 દિવસ પહેલા શરૂ થયેલું આ મધ્યપૂર્વનું યુદ્ધ અત્યારે વૈશ્વિક સ્તરે તેલ સંકટ બની ગયું છે. વિશ્વભરના અસંખ્ય દેશો ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ઈરાન વધારે ભડક્યું
અમેરિકાને ધમકી આપતા ઈરાને કહ્યું કે, જો તેના તેલ માળખા પર હુમલા ચાલુ રહેશે, તો મધ્ય પૂર્વ ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓ સાથે સંકળાયેલી તમામ મુખ્ય તેલ અને ઉર્જા સુવિધાઓ સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવશે. એક બાજી વિશ્વ પર તેલના વધતા ભાવનું સંકટ તોળાઈ રહ્યું છે. તેવામાં હવે ઈરાને અમેરિકાને આવી ધમકી આપી છે, જેથી સ્થિતિ હજી પણ વધારે વણસી શકે છે.
મધ્યપૂર્વની વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, ઈરાને અત્યારે હોર્મુઝ પર નાકાબંધી કરી દીધી છે. આ રૂટ પરથી કોઈ પણ જહાજ પસાર થઈ શકે તેમ નથી. મહત્વની વાત એ છે કે, હોર્મુઝ રૂટની નાકાબંધી અને પ્રાદેશિક હુમલાઓને કારણે વિશ્વના પાંચમા ભાગથી વધુ તેલ વેપાર ખોરવાઈ રહ્યો છે. તેના કારણે વિશ્વના અનેક દેશો પરેશાન થઈ રહ્યાં છે.