Wed Aug 26 2026

Logo

હોર્મુઝ બાદ હવે ઈરાનની નજર આ મહત્વના જળમાર્ગ પર! જાણો શું છે મહત્વ

Tehran   2026-04-04 12:55:00
Author: Mumbai Samachar Team
હોર્મુઝ બાદ હવે ઈરાનની નજર આ મહત્વના જળમાર્ગ પર! જાણો શું છે મહત્વ

તેહરાન: યુએસ-ઇઝરાયલે હુમલા શરુ કર્યા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર નિયંત્રણ મુક્યા છે, જેને કારણે વૈશ્વિક ઇંધણ પુરવઠાને માઠી અસર પહોંચી છે. હાલ વિશ્વના ઘણાં દેશો મળીને હોર્મુઝ સ્ટ્રેટમાં ખોલવા માટે ઈરાન પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવામાં ઈરાને સંકેત આપ્યો છે કે તે વધુ એક મહત્વપૂર્ણ શિપિંગ રૂટ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર નિયંત્રણો લાગુ કરી શકે છે, જેનાથી ઇંધણ સંકટ વધુ ઘેરુ બની શકે છે. 

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે X પર કેટલીક પોસ્ટ્સ કરીને બાબ અલ-મંડેબ સ્ટ્રેટ નિયંત્રણો લાગુ કરવાની શક્યતાનો સંકેત આપ્યા. તેમણે વૈશ્વિક વેપાર માટે અલ-મંડેબ સ્ટ્રેનાં મહત્વ તરફ ધ્યાન દોર્યું હતું.

પોસ્ટમાં આપ્યા સંકેત:
X પરની એક પોસ્ટમાં ગાલિબાફે લખ્યું, "બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાંથી વૈશ્વિક પેટ્રોલિયમ, LNG, ઘઉં, ચોખા અને ખાતરના શિપમેન્ટનો કેટલો હિસ્સો પસાર થાય છે? કયા દેશો અને કંપનીઓ આં સ્ટ્રેટમાંથી સૌથી વધુ ટ્રાન્ઝિટ વોલ્યુમ ધરાવે છે?"

ગાલિબાફે અલ-મંડેબ સ્ટ્રેટ પર નિયંત્રણ મુકવા અંગે સ્પષ્ટ વાત કરી નથી, પરંતુ સ્ટ્રેટનું મહત્વ ગણાવીને તેમણે કાર્યવાહીના સંકેત આપ્યા છે, જેના કારણે ઇન્ટરનેશનલ શિપિંગ પર દબાણ વધ્યું છે.

બાબ અલ-મંડેબ સ્ટ્રેટ કેમ મહત્વની:
બાબ અલ-મંડેબ સ્ટ્રેટ રેડ સી  અને ગલ્ફ ઓફ એડનને જોડતી સમુદ્રધૂની છે, જે યમન અને જીબુતીના ભૂમિ વિસ્તાર વચ્ચે આવલી છે. અરબ સાગરમાંથી રેડ સી અને ભૂમધ્ય સાગરને જોડતી સુએઝ નહેર સુધી પહોંચવા બાબ અલ-મંડેબ સ્ટ્રેટ એક માત્ર દરિયાઈ માર્ગ છે.

યમનના બળવાખોર હુથી જૂથોને ઈરાનનું પીઠબળ છે, હુથી આગેવાનોએ તાજેતરમાં બાબ અલ-મંડેબ દ્વારા શિપિંગને વિક્ષેપિત કરવાની ધમકી આપી હતી. છેલ્લા ઘણાં સમયથી હુથી જૂથો રેડ સી અને ગલ્ફ ઓફ  એડનમાં વેપારી જહાજોને  નિશાન બનાવી રહ્યા છે. હુથીઓ ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.