તહેરાન : ઇરાનના બુશેહર પરમાણુ કેન્દ્ર નજીક અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઇરાને તીખી પ્રતિક્રિયા આપી છે. આ અંગે ઈરાનના વિદેશ પ્રધાને કહ્યું કે જો આ પરમાણુ પ્લાન્ટમાંથી રેડીયેશન લીકેજ થશે તો તહેરાન નહિ પરંતુ સમગ્ર ખાડી દેશોની રાજધાનીઓમાં મોટું સંકટ ઉત્પન્ન થશે. ઈરાને જણાવ્યું હતું કે ઈઝરાયલ અને અમેરિકાના હુમલાની તહેરાન પર કોઈ પ્રતિકૂળ અસર નહિ થાય. પરંતુ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન જેવા દેશોમાં જીવન સમાપ્ત થઇ જશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ તેમના X એકાઉન્ટ પર આ વાત જણાવી હતી.
અમેરિકાએ ચોથી વખત બુશેહર પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો
ઈઝરાયલ અને અમેરિકાએ ચોથી વખત બુશેહર પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો છે. જેમાં ઈરાન દ્વારા બે અમેરિકી લડાકુ વિમાન, એક મોટું A-10 વિમાન, અનેક હેલિકોપ્ટર, બે MQ-9 ડ્રોન અને અનેક અમેરિકન ક્રુઝ મિસાઈલો તોડી પાડ્યાના 24 કલાક બાદ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇરાને પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો
ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ એક પોસ્ટ દ્વારા પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો. તેમણે લખ્યું, યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પાવર પ્લાન્ટ નજીક હુમલા અંગે પશ્ચિમી રાષ્ટ્રોએ વ્યક્ત કરેલો રોષ યાદ છે. ઇઝરાયલ અને અમેરિકાએ આજ સુધી ચાર વખત બુશેહર પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો છે. રેડીયેશન લીકેજની અસર તેહરાનમાં નહીં પરંતુ GCC દેશોની રાજધાનીઓસાઉદી અરેબિયા, UAE,કુવૈત, બહેરીન, કતાર, ઓમાન માં જનજીવનનો નાશ કરશે.
ઈરાન પર યુદ્ધ લાદવામાં આવ્યું
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ એમ પણ કહ્યું કે ઈરાન પર યુદ્ધ લાદવામાં આવ્યું છે. તેઓ આનો શરતી અને કાયમી ઉકેલ ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે કામચલાઉ ઉકેલ અર્થહીન રહેશે.